સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અન્વયે પાટડી તાલુકાના ખારાઘોડા ખાતે આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયાની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, કુપોષણ એ દેશની ભાવિ પેઢી માટે મોટો પડકાર છે, આ પડકારને દુર કરવા અને એક પણ બાળક કુપોષિત ન રહે માટે કુપોષણની સમસ્યાને નાબુદ કરવા આપણે સૌએ સાથે મળીને જન ભાગીદારીથી સાહિયારો પ્રયાસ કરી સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા યથોચિત્ત યોગદાન આપવું પડશે. તેમણે રાજ્ય સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરતા આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમ જણાવી વધુમાં ઉમેર્યુ હતું કે, ”બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાન, ઉજવલા યોજના જેવી યોજનાઓના કારણે આજે છેવાડાના માનવીના જીવનધોરણમાં સુધારો આવી રહ્યો છે. આ પ્રસંગે મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાળ તંદુરસ્તી હરિફાઈ, પોષણને લગતી ફિલ્મ નિદર્શન, પોષણ આરતી, અન્નપ્રાશન વિધિ, પોષણ અદાલત નાટક સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ કુપોષિત બાળકોને દત્તક લીધેલ પાલક દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી બી. એચ. એરવાડીયા, સી.ડી.પી.ઓ.શ્રી મનહરબા ઝાલા, અગ્રણી સર્વશ્રી દિલીપભાઈ પટેલ, ખેંગારભાઈ ડોડીયા, સુરાભાઈ રબારી, પી.કે.પરમાર, અંબુભાઈ પટેલ અને વિરસંગભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.