ભુજ તાલુકાના નાડાપા પાસે સોમવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં લોડાઈથી પંજાબ રાજ્યના લુધિયાણા તરફ જતી કોલસા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જેથી સૌના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ, હિટાચીથી બોરી ઉતરાવીને ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડે પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, એ દરમિયાન અંદાજે 2 લાખ રૂપિયા ઉપરાંતની નુકસાની થઈ હતી. વરનોરાના જખરા મામદ મમણની માલિકીની ટ્રકમાં લોડાઈથી બાવળિયામાંથી બનેલા કોલસા ભરાયા હતા. 25 ટનની ક્ષમતાની ટ્રકમાં કોલસા ભરેલી બોરીઓ બપોરના ભાગે અચાનક સળગી ઉઠી હતી. જોકે, આસપાસ ઔદ્યોગિક વિસ્તાર હોઈ હિટાચીના માલિકને બોલાવી લેવાયા હતા અને હિટાચીથી કોલસાની બોરીઓ ઉતારવાનું શરૂ કરી દેવાયું હતું. જે દરમિયાન ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડના સચિન પરમાર અને તેમની ટીમના જિજ્ઞેશ જેઠવા, પ્રતિક મકવાણા, દિપક મહેશ્વરી, મનસુખ રાજપુત ઘટના ધસી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, એ દરમિયાન કોલસો, તાલપત્રી અને ટ્રકમાં 2 લાખ રૂપિયા ઉપરાંતની નુકસાની થઈ હતી.