ગુજરાતમાં દારૃબંધી હોવાને કારણે બુટલેગરો દ્વારા ગુજરાત પોલીસની આંખોમાં ધુળ નાખવા વિદેશી દારૃ ગુજરાતમાં ધુસાડવા અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. આવાજ એક કિમીયા ખોર બુટલેર સિમેન્ટ ભરવાના બલ્કરમાં રાજસ્થાનથી દારૃ ભરીને કચ્છ તરફ મોકલવામાં આવતો હતો. પરંતુ પાટણ પોલીસને રાજસ્થાનના બુટલેગર દ્વારા અજમાવવામાં આવેલ કિમીયાની જાણ થતા પોલીસે વારાહી નજીક વિદેશી દારૃ ભરેલી બલ્કર સહિત રૃપિયા ૨૭ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ચાલકને પકડી પાડયો હતો.પ્રાપ્ત માહીતી અનુસાર રાજસ્થાનના બુટલેગર પ્રકાશ ઠાકરારામ બીશ્નોઇ રહે.ચિતવાડા રાજસ્થાન વાળાના માણસો સિમેન્ટ ભરવાના બલ્કર વાહનમાં વિદેશી દારૃ ભરી રાજસ્થાનના શીરોહી નજીક આવેલ ટોલબુથથી બે ત્રણ કી.મી.દુર પાણી રોડ ઉપર સોહનલાલ મુળારામ બીશ્નોઇને સોપ્યુ હતુ. અને ગુજરાતના કચ્છ જીલ્લાના સાખીયાળી પહોંચે ત્યારે શેઠ પ્રકાશ ભાઇને પુછીને માલ કોને આપવાનો છે તેની જાણ કરવાની વાત કરીને વિદેશી દારૃ ભરેલ બલ્કરને ગુજરાત તરફ રવાના કરવામાં આવ્યું હતું. રાજસ્થાનથી સીમેન્ટ ભરવાના બલ્કરમાં વિદેશી દારૃ ભરીને કચ્છ તરફ જતો હોવાની બાતમી પાટણ એલસીબી પોલીસને મળી હતી જ્યારે વિદેશી દારૃ ભરેલ બલ્કર રાધનપુર પસાર કરીને વારાહી તરફ પહોંચ્યું હોઇ એલસીબીએ આ બાબતે વારાહી પોલીસને જાણ કરતા વારાહી પોલીસે વારાહી સાંતલપુર હાઇવે પર આવેલ માનપુરા પાટીયા નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી આધારીત નંબર વાળુ સીમેન્ટ ભરવાનું બલ્કર આવતા વારાહી પોલીસ રોકાવ્યું હતું. બલ્કરના ચાલક સોહનલાલને અંદર શુ છે તે બાબતે પુછ પરછ કરતા પોલીસને સંતોષ કારક જવાબ ના મળતા પોલીસે બલ્કર ઉપર ચડી ઢાંકણા ખોલી અંદર તપાસ કરતા અંદર અલગ અલગ માર્કા વાળી વિદેશી દારૃની બોટલો ખોખામાં પેક કરેલ મળી આવી હતી. વારાહી પોલીસ સીમેન્ટ ભરવાના બલ્કર સહિત રૃપિયા ૨૭,૯૪,૭૨૦ ના મુદ્દામાલ કબજે કરી બલ્કર ચાલક સોહનલાલ બિશ્નોઇ તેમજ બુટલેગર પ્રકાશ ઠાકરારામ બીશ્નોઇ અને તેના માણસ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.