ભુજમાં ઠેર ઠેર માર્ગો પર નદીની જેમ ગટરના દુષિત પાણી વહેતા થઈ ગયા

જિલ્લા મથક ભુજમાં નગરપાલિકાની કામગીરી કરવાની અણઆવડતના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એક બાદ એક ગટરલાઈન બેસી જવાની ઘટનાનો સીલસીલો બંધ થવાનું નામ જ નથી લેતું એમ આજે મુંદરા રીલોકેસન સાઈટ પર આવેલા ચંગલેશ્વર પાસે રોડની બાજુમાં ગટરની નદી વહેવા માંડી છે. આસપાસના વિસ્તારના લોકો માથું ફાડી નાખે એવી ફેલાતી દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ભુજની ગટર સમસ્યા ઉકેલવામાં પાલિકા સદંતર નિષ્ફળ ગઈ હોય એમ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગટર લાઈનો બેસી રહી છે. જોકે આ લાઈનો જુની હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે. નગરના રહેઠાણ વિસ્તાર અને સતત વાહનોની અવર-જવર વાળા વિસ્તારોમાં વહેતા દુષિત પાણીના કારણે કોઈ રોગચાળો ફેલાવવાની દહેશત લોકો દર્શાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયનગર પાસે ગટર બેસતા જેસીબીની મદદથી પાઈપલાઈન રીપેરીંગ કરાઈ તો સુધરાઈના પાણીના ટાંકા પાસે પાણીની લાઈન તુટયા બાદ ગટરની ચેમ્બરમાં પાણી ભરાતા તંત્ર દ્વારા રીપેરીંગ કરાઈ તો સુધરાઈના પાણીના ટાંકા પાસે પાણીની લાઈન તુટયા બાદ ગટરની ચેમ્બરમાં પાણી ભરાતા તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું. કૈલાશનગરના નવા બનેલા રોડ ઉપર બે જગ્યાએ લાઈન બેસી જતા મરામત થઈ ગઈ. જ્યારે હંગામી બસ સ્ટેશન નજીકના મંગલમ ચાર રસ્તા પાસે ગટર લાઈન ખોદીને રાખી દેવાતા ચાર-પાંચ દિવસથી ચાર-પાંચ ફુટ ઉંડા ખાડા જેમના તેમ પડયા છે.રહેઠાણ વિસ્તાર ઉપરાંત બસ સ્ટેશનના કારણે રાહદારીઓ અને ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ ઉપર ગટરના દુષિત પાણી ભરેલા ખાડાના કારણે પસાર થતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. આ પ્રશ્ન ક્યારે હલ થાય ભગવાન જાણે. એવામાં ભાજપ કાર્યાલય નજીક લોહાણા સમાજવાડી પાસે ગટરલાઈન બેસી જતા દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર વહી નિકળ્યાને હવે ભૂકંપબાદ વિકસીત મુંદરા રીલોકેસન સાઈટ સ્થિત ચંગલેશ્વર મંદિર પાસે રોડ નજીક વહેતી નદીની માફક ગટરના પાણી વહી રહ્યા છે. આમ શહેરનો કોઈપણ વિસ્તાર ગટર સમસ્યાથી બાકાત નથી રહ્યો ત્યારે જ્યાં સુધી કરોડોના ખર્ચે સુધરાઈ કોઈ મોટા પ્રોજેક્ટ નહીં લાવે ત્યાં સુધી આ સમસ્યા લોકોના નાકે દમ લાવી દેશે. આ સીઝનમાં આ હાલત છે. તો ચોમાસામાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં દુષિત પાણી ફરી વળે તો નવાઈ નહીં. ઉપરાંત શહેરના જે વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરાય છે ત્યાં માટી નાખીને તંત્ર સંતોષ માની લે છે.હમીરસરમાંથી મંગલમ ને જોડતા રોડનું હમણા જ એકાદ વર્ષ પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ ગટરલાઈન બેસી જતા ખોદકામ કર્યા બાદ માટી નાખી દેવાઈ હવે રોડ જ્યાર ેબને ત્યારે ત્યાં સુધી આ માર્ગ સાવ ધોવાઈ જશે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો આવુ જ કૈલાશનગર, પાલીકાના પાણીના સમ્પ પાસે, હોસ્પિટલ રોડ ચાર રસ્તા પાસેની હાલત થવા પામી છે.જાણે ધણીધોરી વગરનું ખેતર હોય એમ નવા બનેલા માર્ગનું ખોદકામ કરાયા બાદ માત્ર માટી નાખી દેવાય છે. ખખડધજ થતા માર્ગ ને મરંમત કરાવવા રજૂઆતો કરાતા ભુજવાસીઓના નાકે દમ આવી જાય ત્યારે માંડ કામગીરી કરાય. ત્યારે તંત્રની અણ આવડત તજજ્ઞા એન્જિનીયરોના અભાવે કરાતા કામોમાં લોકો ભોગ બની રહ્યા છે.