સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટની હોસ્ટેલમાં ફરજિયાત માસિક ધર્મના પાલન અંગે ઉભા થયેલા વિવાદમાં માત્ર સ્ટાફ સામે જ કાર્યવાહી આરંભાઈ છે. વાસ્તવમાં આવા દિશાર્નિદેશ આપવામાં ટ્રસ્ટીની ભુમિકા સ્પષ્ટ છે. ત્યારે તેની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ કરી હતી.કોંગ્રેસે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, આજના વિજ્ઞાાન યુગમાં ટ્રસ્ટીઓ, સંચાલકો અને રૃઢીવાદી માનસિકતાથી દિકરીઓને યાતના આપી અપમાન અને શરમજનક સ્થિતીમાં મુકવી જાતીય સતામણી છે. ત્યારે આ ઘટનામાફીને પાત્ર નથી. આ સંસ્થા કચ્છ યુનિવર્સીટી અંતર્ગત હોઈ મુખ્ય ટ્રસ્ટી જે ઈ.સી. મેમ્બર હોવાથી તટસ્થ તપાસ કે કાનુની રાહે પગલા લેવાશે કે કેમ તે બાબતે શંકા વ્યકત કરી હતી. આ પ્રકરણ ચગતા અવાજ ઉઠાવનારા છાત્રાઓને રજા આપી દેવામાં આવી હતી. જે બાબતે તપાસ કરવા માંગણી કરી હતી. કાયદાકીય જોગવાઈઓ તપાસી પોકસો જેવી જાતીય સતામણી હોઈ આ પ્રકરણે અલગથી તપાસ સમિતિની રચના કરી ટ્રસ્ટીઓ, સંચાલકો અને જવાબદાર સ્ટાફ સામે પગલા ભરવામાં આવે જેથી બનાવનું પુનરાવર્તન ન થાય, તેવી રજૂઆત કરાઈ હતી.મહિલાઓની ગરિમાને નેવે મુકનાર સહજાનંદ કોલેજના માસિકકાંડે સંદર્ભેની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી જીલ્લા કલેકટર સમક્ષ આમ આદમી પાર્ટીએ કરી હતી. સત્તાપક્ષના લોકો આ કાંડમાં સામેલ હોવાના કારણે તમામ સરકારી તંત્રો પિડીત મહિલાઓને ન્યાય આપવાના બદલે સંસ્થાનને બચાવવામાં લાગી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. કલેકટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આ કોલેજના સંચાલકો પૈકીના એક પ્રો. હિરાણી કચ્છ યુનિવર્સીટીમાં કોર્મસ વિભાગના ડીન છે, જેને યુનિવર્સીટી દ્વારા ગઠીત તપાસ સમિતિમાં મુકવામાં આવ્યા છે તે ક્યાંયનો ન્યાય છે. આવામાં તપાસની શું વલે થાય તે દિવાની જેમ સ્પષ્ટ બાબત છે.બીજીતરફ કોલેજના ટ્રસ્ટી યુનિવર્સીટીમાં ઈસી મેમ્બર છે. આમ તપાસના નામે ફીંડલું વળી જાય તેવી શક્યતા છે.ત્યારે સરકાર દ્વારા સમગ્ર મામલાની ઉચ્ચકક્ષાએ તપાસ કરાવે અને આખા મામલાને સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગણી મુકી હતી. સંસ્થાનનો સંપુર્ણ કબ્જો સરકાર હસ્તક લઈ લેવામાં આવે અને જ્યાં સુધી જવાબદારોને સજા ન થાય ત્યાં સુધી અભ્યાસ કરતી દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જો આગામી ૧૦ દિવસમાં આ માંગણીને ગંભીરતાથી નહીં લેવાય તો ધરણા,આંદોલન,ભુખ હડતાલ સહિતના આકરા પગલા ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.