બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોન્સનને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ ક્વૉરન્ટાઈનમાં જતા રહ્યા છે. કોઈ પણ દેશના વડાને કોરોના થયાનો આ પ્રથમ કિસ્સો છે. વડા પ્રધાન ઉપરાંત બ્રિટિશ આરોગ્યમંત્રી મેટ્ટ હેનકોક પણ કોરોનાથી પોતાનું આરોગ્ય જાળવી શક્યા નથી. તેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વડા પ્રધાન બોરિસે વીડિયો મેસેજમાં કહ્યું હતુ કે આ સમયે પણ તેઓ દેશનું નેતૃત્વ કરતાં રહેશે, કેમ કે દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧૪ હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુ આંક આઠસો નજીક પહોંચ્યો છે.બીજી તરફ અમેરિકામાં કોરોનાના કેસ રોકેટ ગતીએ વધી રહ્યા છે. આજે અમેરિકામાં કેસની સંખ્યા વધીને ૮૬ હજાર નજીક પહોંચી હતી. કોરોનાનો ઉદ્ભવ થયો એ ચીનમાં કુલ કેસ ૮૧ હજારથી વધારે છે. અમેરિકા તેને ઑવરટેક કરી ગયું છે. છેલ્લા એક જ દિવસમાં સોળ હજારથી વધારે કેસ નોંધાયા હતા. આગામી દિવસોમાં ઈટાલીમાં પણ ચીન કરતા કેસ વધી જાય એવી શક્યતા છે. કેમ કે ત્યાં અત્યારે ૮૧ હજાર નજીક આંકડો પહોંચી ગયો છે. ચીનમાં પણ કોરોના કાબુમાં આવી ગયાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ એ વચ્ચે ૫૫ નવા કેસ નોંધાયા છે.કોરોનાને રોકવા વિવિધ દેશો સરહદો સીલ કરવાનો રસ્તો અપનાવી રહ્યા છે. એ વચ્ચે પાકિસ્તાને ચીન પાસેથી મેડિકલ સામગ્રીનો જથ્થો મેળવવા માટે આજે સરહદ ખોલી નાખી હતી. ચીન પાકિસ્તાનને કોરોના ટેસ્ટિંગ કિટ સહિતની સામગ્રી મોકલી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં તેરસો જેટલા કેસ નોંધાયા છે અને નવના મોત થયા છે. સ્પેનમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭૬૯ જેટલી મોટી સંખ્યામાં કોરોનાના દરદીના મોત થયા હતા. એ દેશમાં હવે કોરોનાના કુલ કેસ ૬૪ હજારથી વધારે, જ્યારે મૃત્યુ સંખ્યા પાંચ હજારની નજીક પહોંચી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાન કેસ ૫.૬ લાખ નજીક પહોંચ્યા છે, મૃત્યુ સંખ્યા ૨૫ હજારથી વધી ગઈ છે. બીજી તરફ ૧.૨૮ લાખ દરદી રિકવર પણ થયા છેે.ટ્રમ્પનો યુ ટર્ન: હવે ચીનના વખાણ કર્યાઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના ફેલાવા માટે એકથી વધુ વાર ચીનને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. એ વચ્ચે આજે તેમણે ચીની પ્રમુખ ઝિનપિંગ સાથએ વાત કરી હતી. એ પછી ટ્રમ્પનું હૃદય પરિવર્તન થયું હોય એમ તેમણે ચીન અને ઝિનપિંગના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતુકે કોરોના સામે લડવા માટે ચીન બધી મદદ કરવા તૈયાર છે. વાત પુરી થયા પછી ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે ચીની પ્રમુખ સાથે વાત કરીને આનંદ થયો, કોરોના વિશે અમે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરી. એટલુ જ નહીં ટ્રમ્પે ઝિનપિંગ પ્રત્યે આદર પણ વ્યક્ત કર્યો હતો. જોકે ટ્રમ્પનું કંઈ નક્કી હોતું નથી, અત્યારે વખાણ કરે તો કલાક પછી ટીકા પણ કરે. માટે તેમના વિધાનો ગંભીરતાથી લેવામાં આવતા નથી.