લોકબંધી વચ્ચે કોરોનાના ભયને કારણે લોકો એક રાજયમાંથી બીજા રાજયમાં જઈ રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણ (એક વ્યકિતથી બીજા વ્યકિતને ફેલાવવાનો ભય) ડર વધતો જાય છે. એવા સંજોગોમાં આગોતરી તકેદારીના પગલાં રૂપે ગુજરાત અને રાજસ્થાનના એ બે રાજયોના સરહદી જિલ્લાના પોલીસ અધિકારીઓએ સયુંકત બેઠક યોજીને મહત્વનો નિર્ણય લીધો છે. કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ રાજસ્થાનના સિરોહીના ડીએસપી કલ્યાણ માલ, માઉન્ટ આબુના ડીવાયએસપી પ્રવીણ કુમાર, રિકો પોલીસ સ્ટેશનના પીઆઇ તેમ જ આપણા સરહદી જિલ્લાના પાલનપુર, અમીરગઢના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને માનવ સંક્રમણ દ્વારા કોરોનાના ઝળુંબતા જોખમને અટકાવવા માટે જનહિતને ધ્યાને લઈને બોર્ડર સીલ કરવા નિર્ણય કર્યો હતો. જેમાં બન્ને રાજયોને જોડતા મુખ્ય માર્ગો સિવાય અંદર પ્રવેશવાના અન્ય માર્ગો ઉપરથી પગપાળા કે નાના મોટા વાહનો, રેલવે દ્વારા લોકોને આવતા જતા અટકાવવા માટે અલગ અલગ વ્યવસ્થા દ્વારા પેટ્રોલિંગ કરવા નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત દ્યોડેસવારી, રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ અને આંતરિક રસ્તાઓ ઉપર સતત નજર રાખવાનો નિર્ણય કરીને સંપૂર્ણ પણે બોર્ડર સીલ કરવાનું નક્કી કરાયું છે.