ગઈકાલે કચ્છના આકાશમાં દેખાયેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને લોકોને રોમાંચિત કરી મુકયા હતા. આ અંગે ‘વધુ માહિતી આપતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર ‘સાગરે’જણાવ્યું હતું કે, રાત્રે ૮ અને ૨ મિનિટે કચ્છના આકાશમાં આ સ્પેસ સ્ટેશનનો પ્રકાશ પુંજ દેખાયો હતો. ૨૬૦૦૦ કીમીની પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીનું પરીભ્રમણ કરતા આ સ્પેસ સ્ટેશનનું નિર્માણ વિશ્વના ૧૬ દેશોએ સાથે મળીને કર્યું છે. તેના પર જયારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે તે દેખાય છે. પૃથ્વીનું પરિભ્રમણ કરતાં તેને માત્ર નેવું મિનિટ જ લાગે છે. આ ઉપગ્રહમાં અત્યારે ત્રણ અવકાશયાત્રીઓ યુએસના જેસિકા મેર, એન્ડ્રુ મોર્ગન અને રશિયાના ઓલેગ સ્ક્રીપોચકા છે. આ સ્પેસ સ્ટેશન કચ્છના આકાશમાં દેખાશે એવી આગોતરી જાણ સ્ટાર ગેઝીંગ ઇન્ડિયા દ્વારા કરાઈ હોઈ કચ્છમાં સેંકડો લોકોએ લોકડાઉન વચ્ચે રાત્રે અગાશી પર ચડી સ્પેસ સ્ટેશનનો નઝારો નિહાળ્યો હતો.