રોના વાઈરસ ચેપગ્રસ્તોની સારવારમાં લાગેલા ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારાને 7 વર્ષની જેલ થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આવી ઘટનાઓને ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો બનાવતાં વટહુકમને મંજૂરી આપી હતી. તેના માધ્યમથી 123 વર્ષ જૂના મહામારી કાયદામાં કડક જોગવાઈઓ ઉમેરાઈ છે. નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડૉક્ટરો અને નર્સો પર હુમલા સાંખી નહીં લેવાય. સ્વાસ્થ્યકર્મી લાંબા સમયથી વટહુકમની માગ કરી રહ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનએ બુધવારે સાંજે કેન્ડલ માર્ચ અને ગુરુવારે કાળો દિવસ મનાવવાની ચેતવણી ઉચ્ચારી હતી. બુધવારે સવારે ગૃહમંત્રી અમિત શાહે આઈએમએ સાથે બેઠકમાં આશ્વાસન આપ્યું કે ડૉક્ટરોની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમજૂતી નહીં કરાય. તેના પછી આઈએમએએ દેખાવોને પાછા ખેંચી લઈ કહ્યું કે તેનાથી આપણા દેશની એકતા અંગે દુનિયા સમક્ષ ખોટો સંદેશ જશે.