કોરોના કરતાં વધુ મોત લોકડાઉનના કારણે ભૂખમરાથી થશે : નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસની સ્થાપક અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ લોકડાઉન વધ્યું તેની ટીકા કરી છે. નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે જો લોકડાઉન ચાલુ રહેશે તો દેશમાં કોરોના કરતાં વધુ મોત લોકડાઉનના કારણે ભૂખમરાથી થશે. સરકારે વ્યવહારુ ઉકેલ શોધવો જોઈએ. દેશને લોકડાઉન રાખવો તે ઘાતક નિર્ણય છે.લોકડાઉન અંગે કેન્દ્ર સરકારને સાવધાન કરનારા નિષ્ણાતોમાં એક ઉદ્યોગપતિનો ઉમેરો થયો છે. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ સરકારના નિર્ણયની ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો લોકડાઉન વધશે તો દેશને મોટો આર્થિક ફટકો પડશે. જેટલાં મૃત્યુ કોરોનાના કારણે નથી થયાં એનાથી વધુ મોત લોકડાઉનના કારણે આવેલા ભૂખમરાથી થશે.નારાયણ મૂર્તિએ કહ્યું હતું’આપણે સમજવું જોઈએ કે ભારત જેવો દેશ લાંબાં સમય સુધી લોકડાઉનની સ્થિતિ સહન કરી શકશે નહીં. જો લોકડાઉન આમ વધતું રહેશે તો એવો દિવસ આવશે કે લોકો કોરોનાના કારણે નહીં, પરંતુ ભૂખમરાના કારણે મૃત્યુ પામતા હશે. ભારતમાં દર વર્ષે અલગ અલગ કારણોથી ૯૦ લાખ લોકોના મોત થાય છે. ૯૦ લાખ લોકોની તુલનામાં છેલ્લાં બે મહિનાની સ્થિતિ જોઈએ તો ગભરાઈ જવા જેવું નથી. વાયરસને સામાન્ય સ્થિતિની જેમ લઈને તેનો કોઈ વ્યવહારુ ઉકેલ સરકારે શોધી કાઢવો જોઈએ. સતત દેશને લોકડાઉનમાં રાખવો તે કાયમી ઉપાય નથી.’દેશના આ અગ્રણી ઉદ્યોગપતિએ કહ્યું હતું કે લોકડાઉનના કારણે દેશનો મોટો વર્ગ છે, જેમણે રોજગારી ગુમાવી દીધી છે. જો આગામી દિવસોમા પણ લોકડાઉન ચાલુ રહેશે તો વધારે લોકો બેરોજગાર બનશે. તેમણે ભારતમાં ટેસ્ટિંગની જે સંખ્યા વધારાઈ તે બાબતે પણ સવાલો કર્યા હતા. તેમણે મેડિકલ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સને સલાહ આપી હતી કે ટેસ્ટિંગ સાધનો ઉપરાંત દવા શોધવાની દિશામાં પણ આગળ વધવું જોઈએ.