દેશમાં કોરોનાનો વધતો કેર : વધુ 88નાં મોત, કુલ કેસ 40 હજાર નજીક

કોરોના વાઈરસ સામેની જંગમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટે ભારતમાં લૉકડાઉનનો બીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે અને ત્રીજો તબક્કો સોમવારથી શરૂ થશે. દેશમાં ૨૫મી માર્ચથી લાગુ થયેલા લૉકડાઉનના કારણે સ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે. લૉકડાઉનના કારણે જ દેશમાં ખરાબ સમય હવે પૂરો થઈ ગયો છે. સોમવારથી લૉકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે આ સમયમાં અડધો દેશ ધમધમતો થઈ જશે તેમ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. દરમિયાન લૉકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અર્થતંત્રને બેઠું કરવા માટે બીજું આર્થિક પેકેજ લાવવાની કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી છે. દેશમાં શનિવારે કોરોનાના નવા ૨૦૬૭ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૩૯,૨૪૮ને પાર થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૮નાં મોત સાથે કુલ ૧,૩૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, દેશમાં અત્યાર સુધીમાં ૧૦,૧૨૨થી વધુ લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે દેશમાં કોરોના અંગેની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. જોકે, આ બીમારી સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી લોકોએ સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઈએ. આપણે અન્ય દેશોની સરખામણીમાં કોવિડ-૧૯નો સામનો ઘણી સારી રીતે કર્યો છે. દેશમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન બનાવાયા છે. જોકે કોરોનાની રસી ન બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ, બે ગજનું અંતર જેવા નિયમોનું પાલન આગામી દિવસોમાં ઘણું મહત્વનું રહેશે. કેન્દ્ર સરકારે સમયસર લૉકડાઉન લાગુ કરીને કોરોના મહામારીના અત્યંત મુશ્કેલ સમયમાં આ બીમારી પર નિયંત્રણ મેળવવામાં સરકારે સફળતા મેળવી છે. દેશમાં હવે ત્રીજા તબક્કાનું લૉકડાઉન શરૂ થઈ જશે, પરંતુ દેશના અડધાથી વધુ ભાગમાં કામકાજ શરૂ થઈ જશે.દરમિયાન કોરોના વાઈરસથી અસરગ્રસ્ત અર્થતંત્રને બેઠું કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નાણામંત્રી નિર્મલા સિતારામન, ગૃહમંત્રી અમિત શાહ તથા એમએસએમઈ અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દેશમાં બીજું રાહત પેકેજ જાહેર કરવા અંગે ચર્ચા કરાઈ હતી. લૉકડાઉનથી આર્થિક રીતે સૌથી વધુ અસરગ્રસ્ત ગરીબ વર્ગ માટે સરકારે ૧.૭ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી, જેમાં મફત અનાજ વિતરણ, રસોઈ ગેસ વિતરણ તથા ગરીબ મહિલાઓ અને વૃદ્ધોને રોકડ સહાયનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર હવે ભારતીય ઉદ્યોગ જગતને બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત અંગે વિચારણા કરી રહી છે. દેશમાં ૨૫મી માર્ચથી શરૂ થયેલું લૉકડાઉન કેટલીક છૂટછાટો સાથે ૧૭મી મે સુધી લંબાયું છે.દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક સ્થિતિ અને નાણાકીય સિસ્ટમ પરનું દબાણ ઘટાડવા તેણે લીધેલા પગલાંના અમલની સમિક્ષા માટે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ શનિવારે ટોચની બેન્કોના વડાઓ સાથે બેઠક યોજી હતી. રેટિંગ એજન્સીઓ અને વિવિધ અન્ય સંસ્થાઓએ આગાહી કરી છે કે દેશમાં વર્તમાન નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિદરમાં નોંધપાત્ર ઘટાડો આવશે.બીજીબાજુ દેશમાં સોમવારથી લૉકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે આ સમયમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ગૃહમંત્રાલય દ્વારા કેટલીક છૂટછાટો અપાઈ છે. ગૃહમંત્રાલયની નવી માર્ગદર્શિકાના અમલ માટે રાજ્ય સરકારોએ તૈયારી શરૂ કરી દીધી છે.દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે છેલ્લા બે મહિનામાં ભારતમાં ફેલાઈ રહેલા કોરોના વાઈરસે સ્વરૂપ બદલ્યું છે કે કેમ તેના અભ્યાસની તૈયારી શરૂ કરી છે. સંસ્થાના એક વરિષ્ઠ વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે આ અભ્યાસથી જાણવા મળશે કે સમય સાથે વાઈરસ વધુ ઘાતક બન્યો છે કે તેના સંક્રમણની ક્ષમતા વધી છે.બીજીબાજુ કોરોના વાઈરસની સમસ્યા અને લૉકડાઉન અંગે શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે લોકડાઉનથી કોરોના ખતમ થવાનો નથી. આપણે વિચારીએ કે કોઈ વિસ્તારમાં લૉકડાઉન કરી દઈએ અને ત્યાં કેસ શૂન્ય થઈ જશે તો આવું આખી દુનિયામાં ક્યાંય થઈ નથી રહ્યું. આપણે આખી દિલ્હીને લૉકડાઉન કરીને છોડી દઈએ તો પણ કેસ ખતમ નહીં થાય. લૉકડાઉન કોરોનાને ખતમ નથી કરતું, તેને ઘટાડે છે.