લોકપાલ સદસ્ય જસ્ટિસ અજય ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન

કોરોના વાઈરસથી સંક્રમિત લોકપાલના સદસ્ય જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનું મોત નીપજ્યુ છે. જસ્ટિસ અજય કુમાર લોકપાલના ન્યાયિક સદસ્ય હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ દિલ્હીના એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી હતી. શનિવાર રાતે 9 વાગે હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું નિધન થઈ ગયુ.62 વર્ષના જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠી એપ્રિલ મહિનામાં કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. જે બાદ તેમની દિલ્હી ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી. એપ્રિલના પહેલા સપ્તાહથી એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં માત્ર કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે.એઈમ્સના સૂત્ર અનુસાર જસ્ટિસ ત્રિપાઠી બીમારીના કારણે ઘણા કમજોર થઈ ગયા હતા. તેમની તબિયત લથડતા તેમને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા. અહીં છેલ્લા ત્રણ દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા.કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તેમની શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ કે જસ્ટિસ અજય ત્રિપાઠીના નિધનથી તેમને આઘાત પહોંચ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યુ તેમણે પટનામાં તેમની સાથે વકાલત કરી હતી. કેન્દ્રીય મંત્રી જસ્ટિસ અજય ત્રિપાઠીના પત્ની અલ્કા ત્રિપાઠી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદન દાખવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નીતીશ કુમારે પોતાના શોક સંદેશમાં કહ્યુ કે અજય કુમાર ત્રિપાઠીના નિધનથી ન્યાયપાલિકાના ક્ષેત્રમાં ક્યારેય પૂરી ન શકાય તેવી ક્ષતિ થઈ છે.સુશીલ મોદીએ કહ્યુ કે તેમણે પોતાના નજીકના મિત્ર ગુમાવ્યા. ઘાસ ચારા કૌભાંડના કિસ્સાના દિવસોથી તેઓ અજય કુમાર ત્રિપાઠી સાથે જોડાયેલા રહ્યા છે. જજ હોવા છતાં શહેરમાં કદાચ જ એવો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય જેમાં તે પહોંચ્યા ના હોય.અજય કુમાર ત્રિપાઠી છત્તીસગઢ ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. અગાઉ તેઓ પટના હાઈકોર્ટમાં જજ હતા. વર્તમાન સમયમાં તેઓ લોકપાલના ચાર ન્યાયિક સદસ્યોમાના એક હતા.