ઇટાલી-ઇઝરાયેલે રસી બનાવી : ઈટાલીનો ઉંદર પર પ્રયોગ, ઈઝરાયેલ પેટન્ટની આગે કુછ

ઈટાલી અને ઈઝરાયેલે દાવો કર્યો છે, કે બન્ને દેશોએ અલગ અલગ રીતે કોરોનાવાઈરસની રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. ઈટાલીએ જણાવ્યું હતુ કે અમારી પ્રયોગશાળામાં રસી તૈયાર થઈ છે. ઈટાલીએ જણાવ્યું હતું કે તેમણે ઉંદર પર રસીનો પ્રયોગ કર્યો હતો. ઉંદરમાં રહેલા કોરોનાવાઈરસને ખતમ કરવામાં રસીને સફળતા મળી છે. ઈટાલીના પાટનગર રોમમાં આવેલી ઈન્ફેક્શ ડિસિઝ સ્પેશિયલ ઈન્સ્ટિટયૂટ-હોસ્પિટલમાં આ પ્રયોગ કરાયો હતો. આગામી તબક્કામાં આ રસીનું મનુષ્ય પર પરીક્ષણ કરવામાં આવશે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમારી ડિફેન્સ બાયોલોજિકલ રિસર્ચ ઈન્સિટ્યૂટે એન્ડિબૉડી એટલે કે રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નાફતેલી બેનેટે કહ્યું હતુ કે કોરોનાની સારવામાં આ એક મોટુ સંશોધન સાબિત થશે. રસી તૈયાર થવામાં જ છે. હવે એમે તેની પેટન્ટ નોંધાવીશું અને પછી જથ્થાબંધ ઉત્પાદન કરી શકાય એ દિશામાં આગળ વધીશું.
ઈટાલીએ જણાવ્યુ હતુ કે અમારી રસી સંભવતઃ કોરાનાની પ્રથમ રસી છે. પરંતુ અમારી કોઈ સાથે સ્પર્ધા નથી. આ વૈશ્વિક પ્રશ્ન છે, એટલે રસી તૈયાર થશે એ સાથે અમે સમગ્ર વિશ્વને ઉપલબ્ધ થાય એવો પ્રયાસ કરીશું. ઈટાલીના અધિકારીએ જણાવ્યુ હતુ કે ઉંદરમાં કોરોનાવાઈરસનો વિકાસ થવા દઈ અમે વિવિધ પાંચ પ્રકારની રસીનો તેના પર પ્રયોગ કર્યો હતો. તેમાંથી બે રસી એન્ટિબૉડી (એટલે વાઈરસનો ખાત્મો કરનારું તત્ત્વ) તૈયાર કરવામાં સફળ થઈ છે. આ પ્રયોગ મનુષ્ય પર પણ સફળ થશે એવી અમને આશા છે.
ઈઝરાયેલે થોડા દિવસ પહેલા દાવો પણ કર્યો હતો કે વાઈરસની રચના સમજવામાં તેમને સફળતા મળી છે. માટે રસી પણ ટૂંક સમયમાં તૈયાર થઈ શકશે. કોરોના ફેલાવાની શરૂઆત થયાની સાથે જ ઈઝરાયેલે સરહદો સીલ કરી દીધી હતી. પરિણામે ત્યાં કેસની સંખ્યા સવા સોળ હજાર અને મૃત્યુ સંખ્યા સવા બસ્સો જેટલી જ નોંધાઈ છે. કેસની દૃષ્ટિએ ઈટાલી જગતમાં ત્રીજા નંબરનો કોરોનાગ્રસ્ત દેશ છે. ત્યાં ૨.૧૧ લાખથી વધારે કેસ જ્યારે ૨૯ હજારથી વધારે મોત નોંધાયા છે.