દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૯૫ લોકોનાં મોત થયા હતા. એક દિવસમાં આટલા લોકોના મોત થયા હોવાનું પહેલી વખત બન્યું હતું. કુલ મૃત્યુ આંક ૧૫૮૩ થયો હતો. ૩૯૦૦ નવા કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૪૬,૭૧૧ થયો હતો. દરમિયાન આરોગ્ય મંત્રીએ કોમ્યૂનિટી ટ્રાન્સમિશન ન થયું હોવાનો દાવો રજૂ કર્યો હતો.કોરોનાના કારણે એક દિવસમાં સૌથી વધુ મોત થયા હતા. નોંધપાત્ર રીતે નવા કેસોની સંખ્યા વધી હતી. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૧,૯૬૭ છે. જ્યારે ૧૩,૧૬૦ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. ૨૮ ટકા દર્દી રિકવર થઈ રહ્યાં છે. કાયદાવિભાગના એક અધિકારીને કોરોના થયો હોવાથી શાસ્ત્રી ભવનની બિલ્ડિંગનો એક હિસ્સો સીલ કરાયો હતો. બિલ્ડિંગની એ વિંગનો ચોથો માળ બંધ કરી દેવામાં આવ્યો હતો.બીએસએફમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૭ થઈ ગઈ હતી. સૌથી વધુ દિલ્હી અને ત્રિપુરામાં તૈનાત બીએસએફના જવાનોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દિલ્હી બટાલિયનના જામિયા આસપાસ તૈનાત જવાનોને કોરોના થવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.દિલ્હીમાં આર્મીની આરઆર હોસ્પિટલમાં ૨૪ લોકોના કેસ પોઝિટિવ આવ્યા હતા. એમાં આર્મીમાં કાર્યરત ઉપરાંત નિવૃત્ત આર્મી જવાનો અને સહાયકોનો પણ સમાવેશ થતો હતો.દેશમાં કોરોનાની આવી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં કોમ્યૂનિટી ટ્રાન્સમિશન હજુ સુધી થયું નથી. કોરોનાના કારણે આપણાં વર્તનમાં લાંબાંગાળે હકારાત્મક ફેરફાર થશે. જેમ કે આપણને હાથ સેનિટાઈઝ કરવાની આદત પડશે. એ ભવિષ્યમાં પણ કામ લાગશે.આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે જો ભારતીયો સ્વચ્છતા ઉપરાંત પર્યાવરણ બાબતે જાગૃત થશે એ કોરોના વાયરસ પૂરો થશે પછી દેશને વધારે બહેતર બનાવશે. આપણા માટે આ ખરાબ ટાઈમમાં મળેલું વરદાન બની રહેશે.ધ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રાજ્યોની પોલીસને નકલી કિટથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. ઈન્ટરપોલના અહેવાલ પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોરોનાની નકલી ટેસ્ટ કિટ મળતી થઈ ગઈ છે. એ દરેક દેશમાં ઘૂસી રહી છે. ભારતમાં પણ નકલી કિટ ઘૂસાડવાના પ્રયાસો થશે. નકલી કિટ માર્કેટમાં ન ઘૂસે તે માટે સીબીઆઈએ પોલીસને એલર્ટ રહેવા જણાવ્યું છે. ઈન્ટરપોલે ૧૯૪ સભ્ય દેશોને આ નકલી કિટથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. ઈન્ટરપોલ સાથે સીબીઆઈ કાર્યરત હોવાથી ઈન્ટરપોલે સીબીઆઈને એલર્ટ જારી કર્યો હતો. એના પગલે સીબીઆઈએ રાજ્યોની પોલીસને ચેતવણી જારી કરી છે.પશ્વિમ બંગાળમાં એક દિવસમાં ૯૮નાં મોત : દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પાંચ હજારને પારદેશમાં એક દિવસમાં સૌથી વધુ મોત થયા હતા, એમાં ૯૮ મોત તો એકલા પશ્વિમ બંગાળમાં જ થયા હતા. પશ્વિમ બંગાળમાં ૨૯૬ નવા કેસ દર્જ થયા હતા. એ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે અમે રાજ્ય સરકાર સાથે સંકલન કરી રહ્યા છીએ અને વધારે વિગતો મેળવી રહ્યા છે.દિલ્હીમાં કેસની સંખ્યા પાંચ હજારને પાર પહોંચી ગઈ હતી. જોકે, એક પણ દર્દીનું મોત થયું ન હતું. નવા ૨૦૬ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં ખતરાને જોતાં સરકારે ૧૦૦ સ્થળોને સીલ કર્યા હતા, એમાંથી બે સ્થળોને મુક્ત કરાયા છે. ખતરો ઘટયો હોવાથી સરકારે આ પગલું ભર્યું હતું.મહારાષ્ટ્ર કોરોનામાં પહેલા ક્રમે યથાવત છે. ગુજરાત બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે છે. અન્ય રાજ્યોની તુલનામાં આ ત્રણ રાજ્યોમાં આંકડો સતત વધતો હોવાનું કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું.