અમદાવાદ. 5 મેની સાંજથી 6 મેની સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના નવા 291 કેસ નોંધાયા છે અને 25 દર્દીના મોત થયા છે જ્યારે 74 સાજા થયા છે.આમ અત્યાર સુધી કુલ 4716 પોઝિટિવ કેસ અને કુલ 298 દર્દીના મોત નીપજ્યાં છે અને 778 દર્દી સાજા થયા છે. શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આજથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રાખવા આદેશ આપ્યો છે. આજથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલિટ્રી ફોર્સ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યુ છે. BSF અને અન્ય ટૂકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેરામિલિટ્રી ફોર્સની કંપનીઓ સુરક્ષાની અભેદ્ય કિલ્લાબંધી સાથે સંક્રમિત વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદના રેડ ઝોનમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે 6 BSF અને 1 CISF મળી કુલ 7 વધારાની કંપનીઓ ફાળવી છે. જેમાંથી 5 કંપનીઓ અમદાવાદમાં મૂકવામાં આવી છે. જ્યારે શહેરમાં પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટ્રી સહિત કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે