ભુજ પાલિકાએ રાજ્યમંત્રી દ્વારા પાણી સમસ્યા ઉકેલાવી, પાણી પૂરૂં પાડવા પ્રયાસોની વધુ એક વખત ખાતરી આપવા માં આવી

ભુજ તાલુકા પંચાયત પંચાયત ભવનમાં ભુજ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પાસે શહેરની પાણી સમસ્યાનો મુદ્દો ઉઠાવી તેમના સ્તરેથી ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. જેના પગલે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી, જેમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે પૂરતા દબાણ અને જથ્થામાં પાણી પૂરૂં પાડવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. મુખ્ય અધિકારી નીતિન બોડાતે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા શહેરની પાણી વિતરણ સેવા સુચારૂ કરવા સતત પ્રયત્નો આદરવામાં આવી રહ્યા છે. પરંતુ, કચ્છની પાણી વ્યવસ્થા નર્મદા નીર આધારિત છે.વિવિધ સ્તરે રજુઆત અને બેઠક કરવામાં આવી રહી છે
જોકે, હાલ કચ્છની બ્રાન્ચ કેનાલમાં પાણી નથી, જેથી પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો છે. જેના પગલે વિવિધ સ્તરે રજુઆત અને બેઠક કરવામાં આવી રહી છે, જેથી બુધવારે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદીની હાજરીમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પાસે નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા દ્વારા રજુઆત કરાઈ હતી, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઈજનેર વાનરાને સમસ્યા નિવારવા તાકીદ કરાઈ હતી.