રાપરમાં ફતેગઢના સમશાનમાં જુગાર રમાઈ રહ્યાની વિગત મળતા રાપર પોલીસે દરોડો પાડી 5 શખસોને ઝડપી પાડ્યા હતા. જ્યારે કે 5 ફરાર થવામાં સફળ થયા હતા. પોલીસે રોકડ, મોબાઈલ મળીને કુલ 51 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.હાલ જ્યારે લોકડાઉનમાં કારણ વીના બહાર નિકળવાની પણ મનાઈ છે ત્યારે વાગડમાં એક બાદ એક કાયદો વ્યવસ્થાને પડકાર આપતા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. દરમ્યાન રાપર તાલુકાના ફતેગઢના સમશાનમાં પોલીસે દરોડો પાડીને જાહેરમાં રમાઈ રહેલો જુગાર પકડી પાડ્યો હતો.ગુરુવારના મોડી સાંજે બાતમીના આધારે રાપર પોલીસે ફતેગઢના નાની સીંચાઈ ડેમની બાજુમાં આવેલા સમશાનમાં દરોડો પાડીને ખુલ્લા મેદાનમાં જુગટુ રમી રહેલા પરબતભાઈ મનજીભાઈ મકવાણા (ઉ.વ.60), ચેતનભાઈ દેવશીભાઈ રાઠોડ (ઉ.વ.22), ગાંગાભાઈ પતાભાઈ દાફડા, દિનેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.32), રામાભાઈ રણછોડભાઈ (ઉ.વ.30) ને પકડી પાડ્યા હતા. જ્યારે કે ગણેશાભાઈ ભીખાભાઈ બડીયા, બાબુભાઈ વેરશીભાઈ રાઠોડ, મુનાભાઈ ફકીરાભાઈ મકવાણા, અવાભાઈ પરબતભાઈ મકવાણા, નામેરીભાઈ ભીખાભાઈ બડીયા (રહે. તમામ ફતેગઢ, તા. રાપર) સ્થળ પરથી નાસી છુટ્યા હતા. જે તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. સ્થળ પરથી જુગારમાં વપરાયેલા 12,900 રોકડ, 3 મોબાઈલ, બે મોટરસાઈકલ મળીને કુલ 51,400નો મુદામાલ જપ્ત કરાયો હતો