કોરોના વાયરસનું સંકટ દિવસેને દિવસે ઘેરું બનતું જાય છે તેવામાં સરકારી હોસ્પિટલ પર હાઉસફૂલના બોર્ડ લાગી ગયા છે. આ ઉપરાંત કેટલીક એવી ફરિયાદો પણ સામે આવી છે જેમાં પ્રાઈવેટ હોસ્પિટલો કોરોનાની સારવારના નામે લાખો રૂપિયાનો ચાર્જ વસુલે છે. આવી હોસ્પિટલો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે પ્રાઈવેટ હોસ્પિટલો માટે ફીનું માળખું તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત હાઈકોર્ટે વધારે ફી વસુલતી હોસ્પિટલના લાયસન્સ રદ્દ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ મામલે હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે હાલના સમયમાં મેડિકલ સર્વિસ જીવનજરૂરી છે તેવામાં પ્રાઈવેટ હોસ્પિટલ દર્દીઓ પાસેથી લાખો રુપિયા વસુલી શકે નહીં. આ સાથે જ સરકારને ફીનું માળખું નક્કી કરવા આદેશ કર્યો છે