કોલકાતામાં 185 નર્સે નોકરી છોડી, કહ્યું જો અમે જીવતા બચીશું તો નોકરી પછી પણ મળી રહેશે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં હાલ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કોલકાતાની વિવિધ ખાનગી હોસ્પિટલ્સમાં નોકરી કરતી મણિપુરની ઓછામાં ઓછી 185 નર્સ રાજીનામુ આપીને પોતાના ગૃહરાજ્ય જવા રવાના થઈ ગઈ છે. એક ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે પહેલેથી જ નર્સના સ્ટાફની તંગી છે અને તેમાં આ રીતે નર્સો દ્વારા રાજીનામુ આપવામાં આવતા મુશ્કેલી વધી ગઈ છે. ફોન પરના વાર્તાલાપ દરમિયાન એક નર્સે જણાવ્યું કે, “અમારા વાલીઓ ચિંતિત છે અને અમે પણ અહીં દરરોજ વધી રહેલા કેસના કારણે તણાવમાં છીએ. અમારું રાજ્ય ગ્રીન ઝોનમાં છે અને અમે ઘરે પાછા જવા ઈચ્છીએ છીએ. પરિવાર અને માતા-પિતા અમારી પ્રાથમિકતા છે.” અન્ય એક નર્સે જો જીવતા રહીશું તો ભવિષ્યમાં પણ નોકરી મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ બધા વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે વધુ 10 લોકોના મોત થયા હતા અને કુલ મૃતકઆંક વધીને 215 થઈ ગયો હતો. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 84 કેસ સામે આવતા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 2,461 થઈ ગઈ છે જેમાંથી 1,407 દર્દીઓ સારવાર અંતર્ગત છે.