ડોનાલ્ડ ટ્રમ્પે વાક્બાણ છોડતા કહ્યું, – WHO એ ચીનના હાથની ‘કઠપૂતળી’ છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર ફરી એક વખત સોમવારના રોજ આકરા પ્રહાર કરતા કહ્યું કે WHO એ ચીનના હાથની ‘કઠપૂતળી’ છે. ટ્રમ્પે દાવો કરતા કહ્યું કે જો તેમણે ચીનની યાત્રા પર પ્રતિબંધ ન લગાવ્યો હોત તો કોરોના વાયરસના કારણે દેશમાં હજી વધારે લોકોના મોત નિપજ્યા હોત. નોંધનીય છે કે ચીનથી આવનારા લોકોના પ્રવાસ પર પ્રતિબંધ લગાવતા WHOએ અમેરિકાનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘WHOએ ચીનના હાથની કઠપુતળી છે. સ્પષ્ટ રીતે કહીએ તો આ સંગઠન ચીન કેન્દ્રીત છે.’
ટ્રમ્પે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘મને લાગે છે કે તેઓએ ખૂબ જ ખરાબ કાર્ય કર્યું છે. અમેરિકા તેમને દર વર્ષે 45 કરોડ ડોલર આપે છે. જ્યારે ચીન WHOને વર્ષે 3.8 કરોડ ડોલર જ ચૂકવે છે.’ અમેરિકાએ જાન્યુઆરી મહિનામાં ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેનો WHOએ વિરોધ કર્યો હતો. ત્યારે WHOએ કહ્યું હતું કે અમેરિકાને આવો નિર્ણય લેવાની કોઈ જરૂર નહતી. ત્યારે WHO અમેરિકાના નિર્ણયની વિરોધમાં હતું. સંગઠને કહ્યું હતું કે અમેરિકાએ આવો સખત નિર્ણય લેવાની કોઈ જ જરૂર નથી. આ વધારે પડતો સખત અને એકદમ ખોટો નિર્ણય છે.