ઉત્તરપ્રદેશના સંભલમાં SP નેતા અને તેમના પુત્રની ધોળે દિવસે ગોળી મારીને હત્યા, વીડિયો વાયરલ

 

લોકડાઉન દરમિયાન પણ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. સંભલ જિલ્લામાં, સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અને તેમના પુત્રની જમીનના વિવાદ પર જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પિતા અને પુત્રએ ઘટના સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા. સંભલ જિલ્લાના એસપી યમુના પ્રસાદે કહ્યું કે આ કેસમાં એફઆઈઆર નોંધીને ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કેટલાક લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.એસપી યમુના પ્રસાદના જણાવ્યા અનુસાર સંભલના બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાજવાદી પાર્ટીના નેતા છોટેલાલ દિવાકર (50) અને તેમના પુત્રની ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના શમસોઈ ગામમાં મનરેગા હેઠળ એક માર્ગ બનાવવામાં આવી રહ્યો હતો અને છોટેલાલ દિવાકર અને સવિંદર વચ્ચે વિવાદ થયો હતો અને થોડી બોલાચાલી થયા બાદ ઝઘડો એટલો વણસી ગયો કે છોટેલાલ દિવાકર અને તેમના પુત્ર પર ગોળીઓ ચાલવા લાગી.