કોરોના સામેની લડાઈમાં અવસાન પામેલા વીર જવાનોને નમન રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, પોલીસ વડા

ભુજ : કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. કોરોના વોરીયર્સ પણ મહામારીના ભરડામાં સપડાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં પોલીસ સ્ટાફ પણ કોરોના પોઝીટીવ આવી ચૂકયા છે.
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું કોરોનાની ગંભીર બીમારી સામે લડતા લડતા દુઃખદ અવસાન થયું છે. ત્યારે તેમની આત્માને શાંતિ મળે અને કોરોના વોરીયર્સની કામગીરીને નમન કરી શરાદતને યાદ કરવા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજની કચેરી ખાતે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, પોલીસ વડા સૌરભ તોલંબિયા અને પોલીસ સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળી સદગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, કોરોના સામેની લડાઈમાં કોરોના વોરીયર્સ બનીને કામ કરતા ખાખીના કર્મચારીનું દુઃખદ અવસાન થયું છે. જેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. પોલીસ તંત્ર લોકડાઉનના સમયગાળા દરમ્યાન ખડેપગે રહી કોરોના સામેની લડાઈમાં કામ કરે છે જે કામગીરી પ્રશંસાને પાત્ર છે.