તેલંગાણાના વારંગલમાં કૂવામાંથી 9 મૃતદેહ મળ્યા, પોલીસ તપાસમાં લાગી, મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી

તેલંગાણાના વારંગલના એક વિસ્તારમાં કૂવો રહસ્યનું કેન્દ્ર બન્યો છે. કોઇ સસ્પેન્સ થ્રિલરની જેમ આ કૂવામાંથી લગાતાર મૃતદેહ નિકળી રહ્યા છે. આ વિસ્તારને ગોરેકુંટા કહેવાય છે. અહીં એક ગોડાઉન પાસે કૂવો છે. ગુરૂવારે આ કૂવામાંથી 4 મૃતદેહ મળ્યા હતા. આજે વધુ 5 મૃતદેહ આ કૂવામાથી કાઢવામા આવ્યા હતા. પોલીસ પણ આટલા બધા મૃતદેહ નિકળતા આશ્વર્યમાં છે. કારણ કે આ મૃતદેહો પર કોઇ ઇજાના નિશાન નથી. તેથી તેમનું મોત કેવી રીતે થયું ? પોલીસ આ રહસ્ય શોધવામાં લાગી છે. આશંકા છે કે હજુ વધારે મૃતદેહ બહાર આવી શકે છે.
હત્યા કે આત્મહત્યા ? પોલીસને શરૂઆતની તપાસમાં માહિતી મળી છે કે 9 પૈકી 6 મૃતદેહ એક જ પરિવારના સભ્યોના છે. તેઓ સૌ પશ્વિમ બંગાળના પ્રવાસી મજૂરો હોય તેવા રિપોર્ટ્સ છે. તેમાં મકસૂદ (50 વર્ષ) , તેની પત્ની નિશા(45 વર્ષ ), દીકરી બસરા (20 વર્ષ) અને બસરાનો ત્રણ વર્ષનો બાળક સામેલ છે. આજે જે મૃતદેહ કાઢ્યા તેમાં શાબાદ (22), સોહેલ (20), બિહારનો રહેવાસી શ્યામ(22), શ્રી રામ (20) અને વારંગલના શકીલ નામના વ્યક્તિની ઓળખ થઇ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામા આવ્યા છે.
કમિશનરે જણાવ્યું- ગોડાઉન માલિકે પોલીસને જાણકારી આપી વારંગલના કમિશનર રવિન્દરે જણાવ્યું કે મૃતક મકસૂદ વીસ વર્ષ પહેલા રોજગાર માટે વારંગલ આવ્યો હતો. ત્યારથી તે અહીં પરિવાર સાથે રહેતો હતો. લોકડાઉન શરૂ થયું ત્યારે તે પરિવાર સાથે ગોડાઉનમાં રહેવા માટે આવ્યો હતો. પાસે જ બિહારના શ્યામ અને શ્રી રામ પણ રહેતા હતા. ગુરૂવારે જ્યારે ગોડાઉન માલિક સંતોષ અહીં આવ્યા તો કોઇ દેખાયું નહીં. તેમણે શોધખોળ કરી તો જૂના કૂવામાં તેમના મૃતદેહ દેખાયા. ત્યારબાદ પોલીસને જાણકારી આપી. પોલીસે રેસ્ક્યૂ ટીમની મદદથી મૃતદેહ બહાર કઢાવ્યા હતા. આ મામલે અમુક લોકોને કસ્ટડીમાં લઇને તપાસ ચાલી રહી છે.