ભારતમાં કોરોનાના કેસ 1.50 લાખ નજીક, વધુ 190નાં મોત નિપજ્યાં

દેશમાં પરપ્રાંતીય મજૂરોના વતન પરત ફરવા વચ્ચે બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશામાં કોરોનાના નવા કેસમાં તીવ્ર ઉછાળા સાથે દેશમાં મંગળવારે કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા ૧.૫૦ લાખની નજીક પહોંચી ગઈ છે. દેશમાં મંગળવારે નવા ૫,૭૧૧ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧,૪૭,૫૦૫ થઈ હતી જ્યારે વધુ ૧૯૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૨૬૮ થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૬૩,૫૦૪ દર્દીઓ સાજા થયા છે, જે રીકવરી રેટ ૪૧.૬૧ ટકા હોવાનું દર્શાવે છે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં આપણે વધુ ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. તેમણે કોરોના મહામારીને અટકાવવા માટે નવી વ્યૂહરચના ઘડવા વિનંતી કરી હતી. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ સહિત, દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ વધુ નવા કેસ નોંધાયા છે.દેશમાં લૉકડાઉનના કારણે રોજગારી ગુમાવનારા પરપ્રાંતીય મજૂરો વતન પરત ફરી રહ્યા હોવાથી તેમના વતનમાં મહામારી પર નિયંત્રણ માટે વધુ મજબૂત સર્વેલન્સ અને મોનિટરિંગની જરૂરિયાત પર નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-૧૯નો રિકવરી રેટ વધ્યો છે અને તેમાં હજી પણ સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે મૃત્યુદર ઘટી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને ૪૧.૬૧ ટકા થયો છે. કોવિડ-૧૯નો મૃત્યુદર ૧૫મી એપ્રિલે ૩.૩ ટકા હતો તે ઘટીને આજે ૨.૮૭ ટકા થયો છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે.સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ સપ્તાહમાં પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં તીવ્ર ઊછાળો જોવા મળ્યો છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોનું કહેવું છે કે વિશેષ શ્રમિક ટ્રેનોમાં વતન પરત ફરેલા પરપ્રાંતીય મજૂરોના કારણે તેમના ત્યાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં લૉકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને વતન પરત લઈ જવા માટે રેલવેએ ૧લી મેથી શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરી છે. બીજીબાજુ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા શરૂ કરી હતી.દેશમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં કોરોનાના સૌથી વધુ ૫૪,૭૫૮ કેસ નોંધાયા છે અને સૌથી વધુ ૧૭૯૨ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાની આ ગંભીર સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ગાદી જોખમમાં મુકાઈ છે. વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ શાસનની માગ કરાઈ છે. ઓડિશામાં કોવિડ-૧૯ની સમિક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે મહામારીનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના ઘડવાની જરૂર છે. સ્થાનિક વિમાની સેવા અને ટ્રેન સેવા ફરીથી શરૂ થવા સાથે આગામી ૧૫થી ૩૦ દિવસમાં સ્થાનિક તંત્ર માટે પડકાર વધશે.છેલ્લા ૨૪ દિવસના સમયમાં શ્રમિક વિશેષ ટ્રેનો મારફત અંદાજે ત્રણ લાખથી વધુ પરપ્રાંતીય મજૂરો વતન પરત ફર્યા છે. રેલવેએ ૧લી મેથી દેશમાં ૩,૨૭૬ શ્રમિક ટ્રેનો દોડાવી છે, જેમાં ૪૪ લાખથી વધુ મજૂરોએ પ્રવાસ કર્યો છે તેમ સત્તાવાર આંકડામાં જણાવાયું છે. મહત્તમ શ્રમિક ટ્રેનો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી રવાના થઈ છે જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ટ્રેનો પહોંચી છે.અનેક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે લાખો-કરોડોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો વતન પરત ફરતાં ઔદ્યોગિક ક્ષેત્રે મજૂરોની અછત સર્જાશે અને મુશ્કેલીમાં મુકાયેલા અર્થતંત્રને વધુ ફટકો પડશે.