દેશમાં 23 લાખ લોકો ક્વોરન્ટાઇન હેઠળ, કુલ કેસ 1.60 લાખને પાર

દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને દોઢ લાખનો આંકડો પાર કરી લીધો છે. જોકે જે લોકો ક્વોરન્ટાઇનમાં છે તેની સંખ્યા લાખોમાં છે. સરકાર દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં જુદા જુદા સ્થળોએ ૨૩ લાખ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. મોટા ભાગના રાજ્યોમાં અન્ય રાજ્યોથી આવતા લોકો માટે સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું ફરજિયાત કરાયું છે. જેમાં કેટલાકને ઘરે તો કેટલાકને ચોક્કસ નિર્ધારિત સ્થળે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સરકારી આંકડા અનુસાર ૧૪મી મેના રોજ કુલ ૧૧.૯૫ લાખ લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા જે હવે ૨૬મી મેના રોજ વધીને આંકડો ૨૨.૮૧ લાખને પાર પહોંચી ગયો છે. એટલે કે માત્ર ૧૨ દિવસમાં આંકડો ડબલ થઇ ગયો છે. રાજ્યો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬.૦૨ લાખ લોકો ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે બીજા ક્રમે ગુજરાત છે કે જ્યાં ૪.૪૨ લાખ લોકો ક્વોરન્ટાઇન સેન્ટર પર રખાયા છે. જ્યારે આ આંકડો ૧૪મી મે પહેલા મહારાષ્ટ્રનો ૨.૯ લાખ અને ગુજરાતનો ૨ લાખ હતો, એટલે કે માત્ર ૧૪ દિવસમાં જ આંકડો બમણો થઇ ગયો છે. વંદે ભારત મિશન અંતર્ગત ૪૦ દેશોમાંથી ૩૦ હજાર ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે અને તેમને પણ ક્વોરન્ટાઇન કરાયા છે. હાલ જે લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે તેઓમાંથી મોટા ભાગના બસ, ફ્લાઇટ કે ટ્રેન દ્વારા અન્ય રાજ્ય કે દેશમાંથી મુસાફરી કરીને આવ્યા છે. જેમાં સ્થળાંતરીત મજૂરોનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૩.૬ લાખ મજૂરોને ક્વોરન્ટાઇન કરાયા છે. જેમાં મોટા ભાગનાને તેમના ઘરે જ રખાયા છે. બીહાર બીજુ રાજ્ય છે કે જ્યાં ૨.૧ લાખ લોકોને ક્વોરન્ટાઇન સેન્ટરમાં રખાયા છે. બીજી તરફ લોકડાઉન-૪નો સમય ૩૧મી મેએ પુરો થવા જઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કેબિનેટ સચિવોની બેઠક યોજાઇ હતી જેમાં કોરોનાના કેસો ક્યા શહેરોમાં વધુ છે તેની ચર્ચા થઇ હતી. એક આંકડા અનુસાર ૧૩ શહેરો એવા છે કે જ્યાં કોરોનાના દેશમાં કુલ કેસોના ૭૦ ટકા કેસો આ શહેરોમાં છે. આ શહેરોમાં અમદાવાદ, મુંબઇ, ચેન્નાઇ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાતા, ઇંદોર, જયપુર, જોધપુરનો સમાવેશ થાય છે. આ શહેરોમા હવે પછી લોકડાઉનની સ્થિતિ કેવી રહેશે તેને લઇને આયોજન ઘડાઇ રહ્યું છે. આ બેઠકમાં જે હોટસ્પોટ ગણાતા ૧૩ શહેરો છે તેના ડીએમ અથવા કલેક્ટરોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને શહેરોનો રિપોર્ટ સરકારને સોપ્યો હતો. દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે અને ૨૪ કલાકમાં જ વધુ ૭૧૩૫ દર્દી ઉમેરાયા છે. જ્યારે કુલ દર્દીઓની સંખ્યા ૧૬૦૬૬૬ને પાર પહોંચી ગઇ છે. બીજી તરફ ૨૪ કલાકમાં જ ૧૮૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તો ૩૫૬૨ લોકોને સાજા કરી લેવાયા છે. જે લોકોને સાજા કરાયા હોય તેની કુલ સંખ્યા ૭૦,૩૧૬ છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૪૬૩૩ પર પહોંચી ગયો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને કોરોના જેવા લક્ષણો જણાતા હોસ્પિટલાઈઝ કરાયા હતા. જોકે સાંજે આવેલા રિપોર્ટ પ્રમાણે તેમની તબિયત સારી છે. અલબત્ત, તેમનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે, એટલે પોઝિટિવ છે કે નેગેટિવ એ હજુ સુધી જાહેર થયું નથી. ગુરુવારે સવારે પાત્રાની તબિયત બગડતા તેમને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમની તબિયતમાં ખાસ કોઈ વાંધો જણાયો નથી. દરમિયાન તેમના શુભેચ્છકોએ વહેલા સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. તો વળી તેમના ટીકાકારોએ ટ્વિટર પર લખ્યું હતું કે તમારા ક્યાં દાખલ થવાની જરૂર છે, તમે તો ગૌ મુત્રથી જ સાજા થઈ શકો એમ છો.