ઘરેલુ વિમાની સેવાને મળેલી છૂટ બાદ ભુજમાં માત્ર એક જ દિવસ મુંબઇથી ફ્લાઇટ આવ્યા બાદ સતત ત્રણ દિવસ સુધી પેન્સેન્જર ન મળવાથી બંધ રહી હતી. શુક્રવારે સવારે મુંબઇથી ભુજ આવી પહોંચેલી ફ્લાઇટમાં મુંબઇથી 25 યાત્રીઓ આવ્યા હતા તો 23 લોકોએ મુંબઇ ભણી પ્રસ્થાન કર્યું હતું. મુંબઇમાં સ્લોટ ન મળવાની ફરિયાદ વચ્ચે મુંબઇથી ભુજ એર ઇન્ડિયાની એકમાત્ર હવાઇ સેવા લોકડાઉનમાં બંધ રહ્યા બાદ સરકાર દ્વારા શરૂ કરવાની છૂટ અપાઇ હતી. સમગ્ર દેશમાં ઘરેલુ વિમાની સેવા શરૂ થવાના પ્રથમ દિવસે મુંબઇથી-ભુજ માત્ર 14 જ યાત્રીઓએ આવ-જા કરી હતી. ત્યારબાદ પેસેન્જર ન મળવાથી સતત 3 દિવસ સુધી આ ફ્લાઇટ રદ કરાઇ હતી. ત્રણ દિવસ બાદ પ્રવાસીઓમાં વધારો થતાં શુક્રવારે મુંબઇથી ભુજ ફ્લાઇટ આવી પહોંચી હતી, જેમાં મુંબઇથી 25 યાત્રી ભુજ આવ્યા હતા તો વળી 23 લોકો પરત મુંબઇ ગયા હતા. ભુજ એરપોર્ટ પર તમામ યાત્રીઓનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરાયું હતું. વધુમાં તમામ લોકોની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી હતી.હાલે જે લોકો ફ્લાઇટ મારફતે અન્ય રાજ્યોમાંથી આવે છે તેવા લોકોને 7 દિવસ સંસ્થાકીય અને 7 દિવસ હોમ કવોરેન્ટાઇન કરાય છે. મોટાભાગના લોકો સરકારી સંસ્થાકીય કવોરેન્ટાઇન થતા નથી પરંતુ પોતાની રીતે હોટેલમાં સ્વખર્ચે 7 દિવસ માટે સંસ્થાકીય કવોરેન્ટાઇન થતા હોવાનું ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું.