લોકડાઉન 5.0 : દેશભરમાં મોલ સહિતના આ જગ્યાઓ થશે અનલોક, જાણો તમામ વિગતો
કોરોના વાયરસ વિરુદ્ધ ચાલતી લડતમાં દેશમાં ફરી એકવાર લોકડાઉન લંબાવાયું છે. લોકડાઉન 4 પૂર્ણ થાય તે પહેલા જ લોકડાઉન 5.0ની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલયે જાહેર કરી દીધી છે. સરકારે આ વખતે લોકડાઉન 4માં આપી હતી તેના કરતાં પણ વધારે છૂટછાટો આપી છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાં જાહેર થયેલા કન્ટેઈનમેન્ટ ઝોનસિવાયના વિસ્તારોમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી છે. કઈ કઈ છૂટ કેવી રીતે આપવામાં આવી છે તે જાણો અહીં.
કર્ફ્યૂથી મળી રાહત
નવા દિશાનિર્દેશો અનુસાર રાત્રે કર્ફ્યુ યથાવત રહેશે પરંતુ તેનો સમય બદલી દેવામાં આવ્યો છે. 1 જૂનથી કર્ફ્યુનો સમય રાત્રે 9 કલાકથી સવારે 5 કલાક સુધીનો રહેશે.
શૈક્ષણિક સંસ્થા અંગે જુલાઈમાં નિર્ણય
આ માર્ગદર્શિકા અનુસાર દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ જૂન માસ દરમિયાન બંધ જ રહેશે. શાળા, કોલેજ, ટ્યુશન કે કોચિંગ ક્લાસ, સહિતના શૈક્ષણિક સંકુલ ખોલવા અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જુલાઈ માસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. જેનો સીધો અર્થ છે કે જૂન માસમાં કોઈપણ રાજ્યમાં શૈક્ષણિક કાર્ય શરુ થશે નહીં.
ધાર્મિક સ્થળ, મોલ ખોલવાની અનુમતિ
મંદિર, મસ્જિદ, ચર્ચ સહિતના ધાર્મિકસ્થળો અને મોલ પણ ખોલવામાં આવશે. આ સિવાય 8 જૂનથી રેસ્ટોરન્ટ પણ ખોલી શકાશે. લોકડાઉન 5ના પહેલા તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ પણ ખોલવામાં આવશે.
આંતરરાજ્ય પ્રવાસની અનુમતિ
ગૃહ મંત્રાલયના નવા દિશાનિર્દેશ અનુસાર 1 જૂનથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની પણ છૂટ હશે. તેના માટે કોઈ પરવાનગીની જરૂર પડશે નહીં પરંતુ સામાજિક અંતરના નિયમનું પાલન કરવું પડશે.
રાજ્ય સરકારોને લેવાના નિર્ણય
લોકડાઉન 5.0માં કેન્દ્રએ રાજ્ય સરકારોને વધારે સત્તા આપી છે. હવે રાજ્ય સરકારો નક્કી કરશે કે કયા રાજ્યમાં બસ અને મેટ્રો સેવા શરુ કરવાની છે. નવા દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવ્યો છે પરંતુ રાજ્ય સરકારો પોતાના રાજ્ય પુરતા પ્રતિબંધો લગાવી પણ શકે છે.