કચ્છમાં પવનની ઝડપ ઘટી, વાદળો છવાયા, બફારો વધ્યો

કચ્છમાં સપ્તાહના ઉઘડતા દિવસે વાદળછાયો માહોલ છવાયેલો રહ્યો હતો તેની સાથે પવનની ઝડપ ઘટતાં તેમજ ભેજનું પ્રમાણ વધવાથી દિવસભર બફારો અનુભવાયો હતો. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગે કચ્છ પર વાવાઝોડાનો ખતરો ન હોવાનો પુનરોચ્ચાર કરીને કાલે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી હતી. છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ 15થી 20 કિલો મીટરની ગતિએ ફુંકાયેલો પવન શાંત પડ્યો હતો અને ભુજમાં તેની ઝડપ માત્ર 2 કિલો મીટરની રહી હતી તો કંડલા પોર્ટ અને એરપોર્ટ પર અડધી થઇને 8થી 10 કિલો મીટરની થઇ હતી. બીજી બાજુ ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધીને ભુજમાં 43 ટકા, નલિયા 61, કંડલા પોર્ટ 47 તેમજ કંડલા એરપોર્ટ ખાતે 48 ટકા રહ્યું હતું અને વાદળો પણ છવાયેલા રહેતાં બફારો અનુભવાયો હતો. ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારે કચ્છ પર વાવાઝોડાનો ખતરો ન હોવાની વાત દોહરાવીને કહ્યું હતું કે, સાઇક્લોનિક અસર તળે બુધ અને ગુરૂવારે કેટલાક સ્થળે હળવાથી મધ્યમ અને છૂટા છવાયા વિસ્તારમાં ગાજ-વીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જો કે, પવનની ઝડપ ફરી વધી શકે તેમ તેમણે જણાવ્યું હતું. ભુજમાં મહત્તમ 39.1, નલિયા 36.1, કંડલા પોર્ટ પર 39.7 અને કંડલા એરપોર્ટ ખાતે 39.2 ડિગ્રી સાથે ગરમી અને બફારો અનુભવાયો હતો.