લીવ ઇનમાં રહેતી પત્નીએ મેસેજનો જવાબ નહિ આપતા પતિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ : પતિ-પત્ની ના ઝઘડામાં અનેક કિસ્સા જોવા મળતા હોય છે પરંતુ શહેરના મણિનગરમાં એક ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ સાસુ અને લિવ-ઇનમાં રહેતી પત્ની વર્ષાના ઝઘડાના ત્રાસથી કંટાળીને રોડ પર જ ફાયરિંગ કરી દીધું. પત્નીનો જન્મ દિવસ હતો અને પતિએ કરેલા મેસેજનો જવાબ ન આપતા પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા સવારે તે સાસરીમાં પહોંચી ગયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નામચીન આરોપી આશિષ દેસાઈ દારૂ, યુવતી અને હથિયારનો પણ શોખીન હોવાનું સામે આવ્યું છે. મણિનગરમાં રહેતી વર્ષા સોનીનો ગઈકાલે જન્મ દિવસ હતો. જન્મદિવસે લિવ-ઇનમાં રહેતા પતિ આશિષ દેસાઈએ મેસેજ કર્યાં હતા પરંતુ વર્ષાએ આ મેસેજના જવાબ ન આપતા આશિષ આવેશમાં આવી ગયો હતો. ત્યાં પહોંચીને બે રાઉન્ડ ફાયરિંગ કરતા તેની સાસુને હાથ પર ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. વર્ષા આશિષની બીજી પત્ની છે અને બંને લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. વર્ષા સ્વરૂપવાન હોવાથી આશિષે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે લિવ ઇનમાં રહેતો હતો. આરોપી આશિષ દેસાઈ મૂળ બિલ્ડિંગ મટિરીયલના ધંધા સાથે સંકળાયેલો હતો. ઘણા સમય પહેલા પ્રહલાદનગર સુરધારા બંગલોમાં રહેતો હતો. જોકે, દેવું વધી જતાં તેણે બંગલો અને ઓડી કાર વેચીને મુંબઈમાં બાર શરૂ કર્યો હતો. બાદમાં મકાન ભાડે રાખીને મણિનગરમાં રહેવા લાગ્યો હતો. આ દરમિયાન વર્ષ 2014માં તેણે વર્ષાને પ્રેમમાં ફસાવી હતી અને તેની સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યો હતો. આશિષ અને વર્ષાને સંતાનમાં બે બાળક પણ છે.