શેઢો ખેડવા બાબતે છરી અને ધોકા ઉડતા બેને ઈજાઃ પોલીસમાં સામસામી ફરીયાદ

ગોંડલની ભાગોળે ગુંદાળા રોડ પર શેઢો ખેડવા બાબતે છરી અને ધોકા ઉડતા બેને ઈજા થઈ હતી અને આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અકિલા ગોંડલના ગણેશનગરમાં રહેતા પરસોતમભાઈ ઘુસાભાઈ રૈયાણી ગઈકાલે ગુંદાળા રોડ, જિલ્લા સંઘના ગોડાઉન પાછળ આવેલ ખેતરમાં સાંતી હાંકતા હતા ત્યારે મનસુખ મોહનભાઈ સાટોડીયા તથા તેની પત્નિ રહે. બન્ને ગાયત્રીનગર ગોંડલ  લાકડાના ધોકા સાથે ધસી આવી કહેલ કે શેઢાથી ૩ ફુટ છોડી વાવેતર કરવાનું કહેલ તેમ છતા જગ્યા છોડયા વગર કેમ વાવેતર કરે છે ? તેમ કહી ધોકાથી હુમલો કરી ઈજા કરેલ હતી તેમજ મનસુખની પત્નિએ દાંતરડા સાથે ધસી આવી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઈજાગ્રસ્ત પરસોતમભાઈએ ઉપરોકત દંપતિ સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરેલ છે. સામાપક્ષે મનસુખભાઈ મોહનભાઈ સાટોડીયાએ પરસોતમભાઈ ઘુસાભાઈ રૈયાણી સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે શેઢો ખેડવા બાબતે ઝઘડો થતા પરસોતમે ખરપીયાથી હુમલો કરી તેમજ નેફામાંથી છરી કાઢી મનસુખભાઈની આંગળીમાં ઘા મારી આંગળીનું ટેરવુ કાપી નાખી ગંભીર ઈજા કરી હતી. બન્ને ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.