મુન્દ્રામાં એક ક્રુ-મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : કુલ આંક ૧ર૦ પહોંચ્યો

ભુજ : અગાઉ મુન્દ્રામાં ક્રુ-મેમ્બરના રિપોર્ટ પોઝિટિવ આવી ગયા છે તેની વચ્ચે ગત રાત્રે ફરી એક ક્રુ-મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર મુળ અલ્હાબાદનો ૩ર વર્ષિય ક્રુ-મેમ્બર મુંબઈ ગયો હતો અને મુંબઈમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યારબાદ તે ગઈકાલે સવારે મુન્દ્રા આવ્યો હતો. પોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સાઈનઈન પૂર્વ કોરોના રિપોર્ટ ફરજિયાત હોવાના કારણે સવારે સાડા નવ વાગ્યે તેનો સેમ્પલ લેવામાં આવ્યો હતો અને રાત્રે સાડા નવ વાગ્યે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તો તેની સાથેના ડ્રાઈવરને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે અને ક્રુ-મેમ્બરને બીટલ હોટેલમાં જ આઈશોલેશનમાં રાખવામાં આવ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ જણાવ્યું હતું. પોર્ટના નિયમો મુજબ ખાનગી લેબમાં પોતાના ખર્ચે કોરોના ટેસ્ટ કરાવાનો હોય છે. કચ્છમાં ગઈકાલ સુધી કુલ ૧૧૯ કોરોના કેસ પોઝિટવ આવ્યા હતા. જોકે, આ ક્રુ-મેમ્બર હોવાથી તેનો સમાવેશ કચ્છમાં કરવામાં આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. કચ્છમાં અત્યાર સુધી કોરોનાના કારણે ૭ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૯ર લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે આ ક્રુ-મેમ્બર સહિત ર૧ કેસ એક્ટિવ છે.