આરોગ્ય તપાસણીમાં ગંભીર એનિમિયાની સમયસર ઓળખ, સારવાર બાદ કુકમાની વિદ્યાર્થીનીનું હિમોગ્લોબીન 8.3 ગ્રામ થયું

j (2)

બાળકોમાં રહેલી આરોગ્યલક્ષી સમસ્યાઓની વહેલી ઓળખ કરી સમયસર યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી નિયમિત આરોગ્ય તપાસણીનું મહત્વ ફરી એકવાર સામે આવ્યું છે. કુકમા પ્રાથમિક શાળામાં યોજાયેલી આરોગ્ય તપાસણી દરમિયાન RBSK કુકમા ટીમની સતર્કતાથી ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈભવી સુરેશભાઈ કટારામાં ગંભીર એનિમિયાની સ્થિતિ સમયસર ઓળખી કાઢવામાં આવી હતી.

        તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ RBSK કુકમા ટીમ દ્વારા કુકમા પ્રાથમિક શાળામાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈભવી સુરેશભાઈ કટારાનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવતા તેનું સ્તર માત્ર 4.2 ગ્રામ જેટલું હોવાનું જણાયું હતું. હિમોગ્લોબીનનું આટલું નીચું સ્તર ગંભીર હોવાના કારણે RBSK ટીમ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીનીને તાત્કાલિક વધુ તપાસ અને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુકમા ખાતે રિફર કરવામાં આવી હતી.

        પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ તપાસ કરવામાં આવતા વૈભવીનું હિમોગ્લોબીનનું સ્તર 2.9 ગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા આરોગ્ય અધિકારી ભુજ ડો. રવિ બાવરવાના માર્ગદર્શન હેઠળ PHC કુકમાના મેડિકલ ઓફિસર ડો. ધારા અજાણી તથા RBSK ટીમના ડો. અલ્પેશ મકવાણા, ડો. નીતા ચુડાસમા અને FHW શાંતિબેન ચાંગા દ્વારા તાત્કાલિક જરૂરી તબીબી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

        વિદ્યાર્થીનીને વધુ ઉચ્ચ કક્ષાની સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે વૈભવીને PICU (Pediatric Intensive Care Unit)માં દાખલ કરી તબીબી દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી.

        હોસ્પિટલમાં જરૂરી સારવાર દરમિયાન વિદ્યાર્થીનીને લોહીની બે બોટલ ચડાવવામાં આવી હતી. તબીબી સારવાર અને સતત દેખરેખના પરિણામે વૈભવીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ તેનું હિમોગ્લોબીન વધીને 8.3 ગ્રામ જેટલું થયું હતું. તબીબી સ્થિતિમાં સુધારો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

        આ સમગ્ર ઘટના શાળાઓમાં કરવામાં આવતી નિયમિત આરોગ્ય તપાસણીનું મહત્વ સ્પષ્ટ કરે છે. સામાન્ય લાગતી આરોગ્ય તપાસણી દરમિયાન વિદ્યાર્થીનીમાં રહેલી ગંભીર એનિમિયાની સ્થિતિની સમયસર ઓળખ થઈ હતી. જો આ તપાસણી દરમિયાન હિમોગ્લોબીનની તપાસ કરવામાં ન આવી હોત, તો આ ગંભીર આરોગ્ય સમસ્યા સમયસર સામે આવી ન હોત.

        RBSK ટીમ દ્વારા કરવામાં આવેલી સમયસર તપાસ, ગંભીર સ્થિતિની વહેલી ઓળખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક તબીબી મૂલ્યાંકન, ઉચ્ચ કક્ષાની સારવાર માટે કરવામાં આવેલા સમયસર રેફરલના પરિણામે વિદ્યાર્થીનીને જરૂરી સારવાર મળી શકી હતી.

        વિદ્યાર્થીનીના પિતા સુરેશભાઈ કટારા દ્વારા તેમની પુત્રીની સમયસર આરોગ્ય તપાસણી કરી ગંભીર સ્થિતિની ઓળખ કરવા બદલ તથા તાત્કાલિક સારવાર માટે યોગ્ય માર્ગદર્શન અને રેફરલની કામગીરી બદલ સમગ્ર આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

        આ ઘટના એ વાતનો જીવંત ઉદાહરણ છે કે સમયસર આરોગ્ય તપાસણી, રોગની વહેલી ઓળખ અને તાત્કાલિક યોગ્ય સારવાર બાળકના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

        રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત બાળકોમાં જન્મજાત ખામીઓ, રોગ, ઉણપ અને વિકાસલક્ષી સમસ્યાઓની વહેલી ઓળખ કરી યોગ્ય સારવાર સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે. કુકમા પ્રાથમિક શાળામાં થયેલી આ આરોગ્ય તપાસણી પણ આ જ હેતુની સફળ સાબિતી બની છે.