કચ્છમાં કોરોનાની બેવડી સદી : એક જ દિવસમાં વધુ 14 કેસ નોંધાયા

સરહદી કચ્છમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણનો વધુ એક વિસ્ફોટ થયો છે. જિલ્લામાં આજે એકસાથે 14 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આજે નોંધાયેલાં 14 કેસમાં 8 કેસ અબડાસાના, 3 કેસ સીમાવર્તી લખપતના અને બાકીના એક-એક કેસ માંડવી, ભચાઉ અને નખત્રાણાના છે. અબડાસામાં તાજેતરમાં કોરોના પોઝીટીવ જાહેર થયેલાં કાર ડ્રાઈવર યુવકના સંપર્કમાં આવનારાં વધુ સાત જણાં કોરોનાની ઝપટમાં આવી ગયાં છે.ગઈકાલે પણ આ યુવકના સંપર્કમાં આવેલાં 6 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં હતા. એક જ કોરોના સંક્રમિતને કારણે અત્યાર સુધીમાં 13 જણ કોરોના સંક્રમિત બન્યાં છે. દરમ્યાન, કોરોના હોટસ્પોટ સમા મહારાષ્ટ્રથી અબડાસાના દદામાપર ગામે આવેલા 85 વર્ષિય લક્ષ્મીબેન ભાનુશાલી નામની મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અબડાસાની જેમ લખપતમાં પણ જીએમડીસી કોલોનીના હતભાગી કોરોનાગ્રસ્ત એન્જિનિયર પતિના સંપર્કમાં આવેલા તેમના 56 વર્ષિય પત્ની પરવીનબાનુ ઝહીરઅલી મકરાણી, આ જ કોલોનીમાં રહેતા 25 વર્ષિય રાહુલ જીતેન્દ્રભાઈ ભટ્ટી અને નજીકની જીએસઈએલ કોલોનીમાં રહેતાં 54 વર્ષિય હિતેન્દ્રભાઈ ધનજીભાઈ ભટ્ટીના કોવીડ-19 રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યાં છે. ભટ્ટી પરિવારની બે મહિલાને તાજેતરમાં કોરોના હોવાનું બહાર આવ્યું હતું. નખત્રાણા તાલુકાના નિરોણાના ભાનુશાલી ફળિયામાં રહેતાં 55 વર્ષિય સંજયભાઈ ખેતશીભાઈ ગજરાને પણ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કથી કોરોનાનો ચેપ લાગ્યો છે. માંડવીના નાની ખાખર ગામે 35 વર્ષિય વિશાલ વેદાંત અને ભચાઉના મનફરા ગામના 69 વર્ષિય બેચરભાઈ ભચુભાઈ છેડાના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ: જોશીના જણાવ્યા મુજબ વિશાલની સુરતની અને બેચરભાઈની મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી છે. આજે નોંધાયેલાં વધુ 14 કેસ સાથે કચ્છના કુલ કોરોનાગ્રસ્ત દર્દીનો આંકડો 210 પર પહોંચી ગયો છે. જે પૈકી અત્યારસુધી 127 દર્દી સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. જ્યારે, નવ દર્દીના મોત નીપજી ચૂક્યાં છે. હાલ જિલ્લામાં એક્ટિવ પોઝીટીવ કેસની સંખ્યા 74 છે. લોકડાઉન ખુલ્લું થયા બાદ સ્પષ્ટ રીતે જિલ્લામાં કોરોનાના સંક્રમણ બેકાબુ બન્યું છે. હવે પ્રત્યેક જણ સામે મળનાર વ્યક્તિ જાણે કોરોના પોઝીટીવ જ છે તેમ માનીને હળવા-મળવામાં પૂરતી કાળજી રાખે તેમજ બીનજરૂરી બહાર નીકળવાના બદલે ઘરબંધીને જ પાળે તે આવશ્યક બની ગયું છે. ખાસ કરીને, ઘરના વડિલો અન બાળકોને ધ્યાને રાખીને સહુ કાળજી રાખે તે આવશ્યક છે. ગત 21 માર્ચે લખપતના આશાલડીની મહિલાની કોરોનાના પ્રથમ દર્દી તરીકે ઓળખ થઈ હતી. પ્રથમ કેસથી લઈ 12મી જૂન સુધીમાં 83 દિવસમાં કોરોનાના 99 કેસ નોંધાયાં હતા. જ્યારે 12 જૂનથી આજના 7 જૂલાઈ સુધીના 25 દિવસમાં જ કોરોનાના વધુ 111 કેસ નોંધાયાં છે. પાછલાં 25 દિવસ દરમિયાન રોજ સરેરાશ ચારથી વધુ દર્દી નોંધાઈ રહ્યાં છે. તજજ્ઞોના મતે જો કોઈ પગલાં ના લેવાય તો સંક્રમણની સરેરાશ હજુ પણ ઊંચકાઈ શકે છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીની વ્યૂહરચનામાં મચી પડ્યાં છે. ખાસ કરીને, અબડાસામાં જે રીતે કોરોનાના સંક્રમણનો વિસ્ફોટ થયો છે તે જોતાં આગામી પેટા ચૂંટણીના આયોજન પર પણ સવાલ સર્જાયો છે.