મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા કચ્છના સાગરખેડૂઓ જોગ: સાધન-સહાય યોજનાઓ માટે ૩૧ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ

રાજ્ય સરકાર તથા ભારત સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસ તેમજ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવાના હેતુથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક લાભાર્થીઓએ આગામી તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં સરકારના ‘iKhedut’ (આઈ-ખેડૂત) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિવિધ ઘટકો હેઠળ સહાય આપવામાં આવે છે; જેમાં બોટ માટે નવા ફાઈબર રોપની ખરીદી, જમ્બો પ્લાસ્ટિક ક્રેટ, ઇન્સ્યુલેટેડ બોક્સ, પગડીયા કીટ (મરીન), બોટ માટે મરીન સોલાર પેનલ, લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ, બોટમાં લગાવવા માટે જી.પી.એસ. (GPS), ઓ.બી.એમ. (OBM) ધારક માછીમારો માટે એન્જિન તથા ૪ ઇંચ ગિલનેટ અને હોડી રિપ્લેસમેન્ટ, બોટ માટે આઈસ/કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ વાહન, ડીપ ફ્રીઝ તેમજ સી-વીડ કલ્ટિવેશન માટેની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

કચ્છ જિલ્લામાં આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા, મત્સ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ બોટ અને હોડી ધારક માછીમારો તેમજ મત્સ્ય વેચાણ કરતા વેપારીઓએ તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત, સરકારશ્રીની ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજના તથા ‘માછીમાર જૂથ અકસ્માત વીમા યોજના’ પણ હાલ અમલમાં છે. આ તમામ યોજનાઓ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન “મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ટી.બી. હોસ્પિટલની સામે, કેમ્પ એરિયા, ભુજ” ખાતે રૂબરૂ સંપર્ક કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, કચ્છ-ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.