કેળના પાકમાં ચોળી, મરચા, ડુંગળી, ગલગોટા અને શાકભાજીની આંતર ખેતી કરવી યોગ્ય
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કેળાના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું.
સમગ્ર વિશ્વમાં કેળા અત્યંત લોકપ્રિય ફળ છે. દરેક ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોમાં કેળાનું મહત્વપૂર્ણ સ્થાન રહેલ છે. જે પૌષ્ટિક, સ્વાદિષ્ટ, ખાવામાં સરળ અને સસ્તા પણ છે. કેળનો મુખ્ય પાક, મિશ્રપાક, આંતરપાક તેમજ સહજીવી પાક એમ જુદી-જુદી પદ્ધતિઓથી લેવામાં આવે છે. દક્ષિણ ભારત (કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ) વગેરેમાં કેળનો પાક મુખ્ય પાક તરીકે તેમજ નાળિયેર અને સોપારી સાથે આંતરપાકના રૂપમાં લેવામાં આવે છે. કેળનું વાવેતર તેના કંદ (પીલા) દ્વારા કરવામાં આવે છે. કંદનું વજન ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. તેનો આકાર પાકેલ નાળિયેર જેવો હોય છે. કંદનો રંગ ઘેરા લાલ રંગનો હોવો જોઈએ. કંદ લગાડ્યા બાદ તેમાંથી ૨૦૦-૫૦૦ જેટલા મૂળ ફૂટે છે. કંદ જો પ્રાકૃતિક કેળાના છોડમાંથી લેવામાં આવે તો ઉત્પાદન વધે છે.
· ત્રણ બહાર (ઋતુ)માં કેળનું વાવેતર કરવામાં આવે છે.
૧.મૃગ બહાર: જુન-જુલાઈ-ઓગસ્ટ ૨. હસ્ત બહાર: સપ્ટેમ્બર-ઓક્ટોબર ૩. આંબે બહાર: ડીસેમ્બર –જાન્યુઆરી અંતર :- ૮x૪ ફૂટ, ૯x૪.૫ ફૂટ, ૯x ૪.૫ ફૂટ, ૮ x ૮ ફૂટ, ૧૨ x ૧૨ પ્રાકૃતિક પ્રકારના છોડમાં અંતર: ૮x૪ ફૂટ, ૯x૪.૫ ફૂટ, ૯x૪.૫x૫ ફૂટ.
બીજામૃતનો પટ આપી કંદનું વાવેતર કરો. જેટલો આકાર કંદનો હોય એટલો જ ખાડો ખોદો, તેમાં બે મુઠ્ઠી છાણીયું ખાતર તથા ઘન જીવામૃત ભેળવીને નાખો. ત્યારબાદ એમની પાસેની માટી નાખીને એમને દબાવો અને ઉપરથી જીવામૃત નાખો. વચ્ચે ચોળી, મરચા, ડુંગળી, ગલગોટા અને શાકભાજીની આંતર ખેતી કરો. કેળના બે છોડ વચ્ચે સરગવો વાવવો. દર ૧૫ દિવસે એકવાર પિયત સાથે જીવામૃત આપવું. કેળાની લૂમ કાપતા પહેલા છોડના કોઈપણ લીલા કે સુકા પાંદડા કાપવા નહિ. તે છોડનો આરક્ષિત પોષણીય ભાગ હોય છે. કંદ વાવ્યા પછી ત્રણ મહીના સુધીબધા જ ક્યારામાં પાણી આપવું. ત્રણ મહિના પછી બધા ક્યારામાં પાણી આપવાનું બંધ કરીદેવું. બાકીના ત્રણ ક્યારામાં પાણી આપો. દરેક વખતે પાણી સાથે જીવામૃત આપો.
પુષ્પ વિન્યાસની શરૂઆત થાય ત્યાંસુધી છોડના મૂળમાંથી જે અંકુર (પીલા) નીકળે છે. એને બધાને કાપીને ત્યાં જ આચ્છાદનના સ્વરૂપે નાખવું. જે દિવસથી પુષ્પ વિન્યાસ નીકળે તે દિવસથી ત્યાં જે દિશાની તરફ નીકળે એની બરાબર વિરુધ્ધ દિશામાં અંકુર શાખા રાખો અને બાકીની કાપીને એનું આચ્છાદન કરો. કેળાની લૂમકાપીને પછી થડ કાપવું નહિ. જે જેમ છે તેમજ ઉભું રાખો. જેમ-જેમ રટૂન (લામ) પાક વધશે તેમથડનો વિકાસ થઈ પોતાની રીતે પોતાની જ જગ્યાએ નીચે આવશે અને છેવટે ગુચ્છાદાર બનશે. આ ગુચ્છાદાર ભાગને કાપ્યા પછી તેના પાન કાપીને તેનું આચ્છાદન કરો.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.