વાણિયાવાડમાં ચીલઝડપ કરતો મોરબીનો ઈસમ ઝડપાયો

ભુજ:ભુજના વાણિયાવાડમાં આવેલી શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલા ખાવડાના ધોરાવરના યુવકના ખીસ્સામાંથી મોબાઇલની ચીલ ઝડપ કરી ભાગેલા મોરબીના યુવકને ભોગબનારે પાછળ દોડી પકડી રાખ્યો હતો બન્ને વચ્ચે ઝપાઝપી દરમિયાન આસ પાસથી લોકો દોડી આવીને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. ભરચક વિસ્તારમાં ચીલ ઝડપના બનાવથી અફડાતડી મચી જવા પામી હતી. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલારખા નાથાભાઇ સમા (ઉ.વ.38)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ બુધવારે સવારે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી તેમના કાકા અબ્દુલ્લા કાના સમા સાથે ખાવડાના ધોરાવરથી ભુજ ખરીદી કરવા માટે આવ્યો હતો. વાણિયાવાડમાં શાકભાજી લેતી વખતે અચાનક ફરિયાદીના શર્ટના ખીસ્સામાં રાખેલો મોબાઇલ એક શખ્સે આંચકીને નાઠો હતો.હેબતાઇ ગયેલા ફરિયાદીએ ચીભડ ચોર પાછળ દોડીને પકડી લીધો હતો. દરમિયાન ચીભડ ચોરે ફરિયાદીને માર મારવા લાગતાં ફરિયાદીએ તેના પગ પકડી રાખ્યા હતા. જાહેરમાં સર્જાયેલા બનાવથી લોકો દોડી આવ્યા હતા અને મોબાઇલની ચીલ ઝડપ કરનારા યુવકને પકડી પાડીને તેનું નામ ઠામ પુછતાં તે મોરબીનો હોવાનું અને તેનું નામ ગોપી કિશોર ડાભી હોવાનું જણાવતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ સ્થળ પર આવતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અલારખા નાથાભાઇ સમાની ફરિયાદ પરથી પોલીસે આરોપી વિરૂધ ચીલઝડપ અને માર મારવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.