જુણામાં પોલીસ પર થયેલા હુમલામાં વધુ ૬ ઈસમોની અટક

ભુજ : તાલુકાના જુણા ગામે ખાવડા પોલીસ પર કરાયેલા હુમલામાં ગઈકાલે પોલીસે ૬ આરોપીઓને ઉઠાવ્યા હતા. અને તેમનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા વધુ ૬ આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના જુણામાં થતી ખનિજ ચોરી અટકાવવા માટે ખાવડા પોલીસનો સ્ટાફ ગયો હતો. દરમિયાન ખાવડાના પીએસઆઈ વાય.પી જાડેજા સહિતના પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ હાથ ધરીને આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે પોલીસે વધુ ૬ આરોપીઓને ઉઠાવીને તેઓનો કોરોના રિપોર્ટ કરાવવા સેમ્પલો મેળવ્યા હતા. આ છએ છ આરોપીઓના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તેમની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી. તો અગાઉ પોલીસે ૫૧ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ૧૫ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડમાં આરોપીઓની કડક પુછતાછ કરીને આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપોના અત્તા પત્તા મેળવવામાં આવ્યા છે. ૧૫ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામને જેલ હવાલે ધકેલવામાં આવ્યા છે. આ આરોપીઓની પુછતાછમાં ખુલેલા નામો પરથી વધુ ૬ની ધરપકડ કરાતા અત્યાર સુધીમાં પોલીસ પર હુમલાના કેસમાં કુલ ૫૭ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. જેમાંથી અગાઉ ઝડપાયેલા તમામ ૫૧ આરોપીઓ હાલ જેલમાં છે.