રાજકોટના કારખાનામાં ચાલતો હતો શરાબનો ધંધો,પોલીસે દરોડો પાડી 1500 બોટલ ઝડપી પાડી

શહેરના માંડા ડુંગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ચાલતા દારૂના ધંધાનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી 1500થી વધુ બોટલ દારૂ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.એમ.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ મથકના એ.એસ.આઇ. વિજયસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ પરમાર, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સસ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, જગદીશ મેવાડા વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે આજીડેમ ચોકડી, તુરકી બાપુની દરગાહ પાછળ, રાંદરડા તળાવની સામે, દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ નવીનભાઇ પટેલના કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. કારખાનાના સેડમાંથી વિદેશી દારૂની 1508 બોટલ મળી આવી હતી. સ્થળ પરથી આરોપી મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઇ કાકડીયા (ઉ.વ.29, રહે. નવા થોરાળા શેરી નં.9, શાળા નંબર -29ની પાછળ, ભાવનગર રોડ)ની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે રૂ.7 લાખ 81 હાજર 400 ની કિંમતના દારૂના જથ્થો અને એક્ટિવા મળી કુલ રૂ. 8 લાખ 11 હજાર 460 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આટલા મોટા જથ્થામાં દારૂ ક્યાંથી આવ્યો? કોને મંગાવ્યો અને અન્ય કોને પહોંચાડવાનો હતો ? વગેરે સવાલોના જવાબ જાણવા પોલીસે ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.