લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામે રોડ ટચની સર્વે નંબર 38/3 જેના નવા સર્વે નં.210ની 200 વાર સરકારી જમીન કે જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. તેમાં કૌભાંડ આચરવા અંગે મધરાત્રે શાપર પોલીસ મથકમાં મહિલા સહિત આઠ સામે ગુન્હો નોંધાયો હતો. જેના આધાર ખારેલીના રહેઠાણ સ્થળે દરોડા પાડી ધરપકડ કરવા તજવીજ આદરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લોધીકાનાં મામલતદાર જમનભાઇ રવજીભાઇ હિરપરા (ઉ.વ.57)ની ફરીયાદથી મુકેશ રમણીક ડોબરીયા, ઓસમાણ સુમાર કુકડ, વિજા ઘુસા ભરવાડ, માલદે કરશન ગઢવી, રાજેન્દ્રસિંહ નજુભા વાળા, ભરત મામૈયા ગમારા, મનીષ બટુક પરમાર અને ભાનુ વિઠ્ઠલ પાટડીયા સામે શાપર-વેરાવળ પોલીસમાં 465, 467, 471, 423, 114 તેમજ 120 મુજબની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.ફરીયાદમાં જણાવ્યું હતું કે સરકારી જમીન પર કબજો જમાવી તેનું રૂા. 100નાં સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ તબદીલી થયાના કૌભાંડની માહિતી મળતા રૂરલ પોલીસને સાથે રાખી તપાસ કરાઇ હતી જેમાં જાણવા મળ્યું કે, ઉપરોકત સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી તે જગ્યાએ કોઠારીયા સોલવન્ટનાં અઘાટ જમીનનાં પ્લોટો બનાવી ગેરકાયદેસર નોટરાઇઝ સોગંદનામા અને લખાણો ઉભા કરી કબ્જે જમાવી પચાવી પાડયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.આ જમીનના દસ્તાવેજો અનુસાર, રોનક સોફાસેટવાળી જગ્યાના કબ્જેદાર મુકેશ ડોબરીયાએ આ જમીન ઉતરોતર ગેરકાયદેસર નોટરાઇઝ લખાણોથી ખરીદ કરી હતી. ઉપરાંત વેચાણ કરાર અને ચુકતે અવેજની પહોંચ બનાવી હતી. જે તેણે રાજેન્દ્રસિંહ વાળા પાસેથી ખરીદ કરી અને તેનું સોગંદનામુ કરાવ્યું હતું. જેમાં આ જમીન 24 લાખમાં ખરીદી હોવાનું જણાવ્યું હતું. સરકારી નિયમો મુજબ માલીકીની જગ્યાની સ્ટેમ્પ ડયુટી ભરવાની હોય છે. તેમ છતાં માત્ર 100નાં સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવી હતી. જમીનની તબદીલી ભરત ગમારાએ કરી હતી.સાટાખત પણ કરાવી લીધું હતું. તેઓએ ગેરકાયદે નોટરીમાં લખાણ કરાવી મનીષ પરમારને વહેંચી દીધી હતી. ત્યારબાદ ભાનુબેન પાટડીયાએ સોગંદનામુ કરી સાડા ત્રણ લાખમાં જમીન ખરીદી હતી. જ્યારે ઓસમાણ કુકડે પણ સરકારી જ જમીનનાં ગેરકાયદે નોટરાઇઝ લખાણોના: આધારે જમીન ખરીદી હતી. આ રીતે તમામ આરોપીઓએ કાવતરૂ ઘડી એકબીજાની મદદગારી સરકારી જમીનો પર દુકાનો તેમજ શોરૂમ ખડકી દીધો છે.