લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર ઈસમ કડોદરાથી પકડાયો

661936af05dd64b05f20480e1560a975

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા નગરમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર શખ્સને કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે કડોદરા અકળામુખી હનુમાન મંદિર નજીકથી ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા નગર ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને ગત તા-03-07-2018ના રોજ એક યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરિવારજનોએ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કડોદરા પોલીસે તપાસ હાથ ધરતા હે.કો દીપકભાઈ શંકરભાઈ તથા પો.કો વિક્રમભાઈ ગંધુભાઈ નાઓને બાતમી મળી હતી કે સગીરાને ભગાડી જનાર શખ્સ તથા સગીરા કડોદરા અકળામુખી હનુમાન મંદિર નજીક છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો ત્યાં પહોંચી સગીરા તથા ભગાડી જનાર શખ્સને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સની પૂછતાછમાં તેણે પોતાનું નામ વિજયભાઇ ચંદુભાઈ લકુમ (21) (હાલ રહે, કામરેજ ચાર રસ્તા, બસેરા એપાર્ટમેંટ, મૂળ રહે, ઝાંઝરકા, જી-અમદાવાદ) નો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે પકડાયેલ શખ્સનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે સગીરાનો કબ્જો તેના માતા પિતાને સોંપ્યો છે.