કોરોના મહામારીમાં સરકારે ધર્મ સ્થળો અને ઉજવણી અંગે એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીઝર્સ) જારી કરી છે. જેમાં કચ્છ કલેક્ટરે 31મી ઓગષ્ટ અને 1લી સપ્ટેમ્બરના મોહરમની ઉજવણી અંગે જારી કરેલા જાહેર નામાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મોહરમ દરમિયાન ઈમામવાડા પર થતી ધાર્મિક પ્રવૃત્તિઓ, મજલીસો, ઈબાદતો અને પ્રાર્થના પર પ્રતિબંધ ફરમાવી દેતા સમગ્ર મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. કલેકટરનો આદેશ તેની હકુમત કરતા બહારનો વિષય હોવાની અને મુસ્લિમ બિરાદરોને ઈમામવાડાની અંદર ધાર્મિક પ્રવૃત્તિઓ નહિ કરવા દેવાનું ફરમાન મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જે માટે અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી દ્વારા પીટીશન દાખલ કરાઈ છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી થઈ શકે છે અરજદારની રજૂઆત છે કે, અમદાવાદ અને સુરત સહિત રાજ્યના પોલીસ કમિશ્નરોએ મોહરમ અંગે જારી કરેલા જાહેરનામામાં આદેશો મુજબ પણ ઈમામવાડાની અંદર કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. અને કોરોનાની ગાઈડલાઈન અમલ સાથે જે તે પ્રવૃતિઓ કરવાની પણ તૈયારી અરજદારે દર્શાવી હતી. તેમ છતાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોહરમના છેલ્લા દિવસોમાં ઈમામવાડામાં થતી ધાર્મિક પ્રવૃતિઓનો મહત્વ ખુબ જ વધુ હોય છે. ત્યારે તેની મંજૂરી આપવી જોઈએ અને કચ્છ કલેકટરના જાહેરનાને રદ થવાને પાત્ર છે તેવી રજૂઆત કરાઇ છે. અરજદારોની રજૂઆત છે કે, ઈમામવાડામાં થતી ધાર્મિક પ્રવૃતિઓનો અનેરૂ મહત્વ છે. તે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમો સાથે આ આયોજન કરશે તેમજ અહીં આવતા લોકોને ઠંડાપીણા કે ચા ની જગ્યાએ કોરોના માટેના ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.