આધોઇમાં 73 હજારની રોકડ સાથે નવ ખેલીઓની અટક

ભચાઉ તાલુકાના આધોઇમાં આવેલા શાહુનગરમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ ખેલીઓને પાંજરે પૂર્યા હતા . ખેલીઓ પાસેથી રોકડા રૂા. 73,500 જપ્ત કરવામાં આવ્યા હતા.આધોઇના શાહુનગર, સેક્ટર-બેના મકાન નંબર 263માં રહેતા રસિક સામજી કોળીના ઘર પાસે જુગાર રમાતો હતો. ગત મોડી રાત્રે અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને રાજુ કરશન કોળી, મનહર અજમલ પરસોંડ, મેઘજી સવા ચાવડા, ખીમજી ધરમશી ગાંગસ, રાજેશ મેરામણ રાવરિયા, પ્રભુ રત્ના કોળી, રસિક સામજી કોળી, પરબત વેલજી કોળી અને વિપુલ ગોવિંદ ચાવડા નામના શખ્સોને પકડી પાડ્યા હતા. ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી પોતાનું નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 73,500 તથા 10 મોબાઇલ અને સ્કોર્પિયો કાર નંબર જી.જે. 12 ડી.એસ. 9758, બાઇક નંબર જી.જે. 12 ડી.એન. 6492 તથા બાઇક નંબર જી.જે. 12 ડી.ઇ. 9424 એમ કુલ રૂા. 11,34,500નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.’