અંજાર તાલુકાના રતનાલ-ચુબડક સીમમાં રતનાલથી ભાદરોઇ જતા માર્ગ પર આવેલ કંકેશ્વર મહાદેવ મંદિરને ચોરોએ અભડાવ્યું હતું અને તેમાંથી મૂર્તિઓ સહિત કુલ 21,400ની મત્તા તસ્કરી કરી જવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી કંકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગીરી અનુપગીરી ગોસ્વામીની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગતો મુજબ તા. 28/8ના રાત્રે મંદિરની બાજુમાં સુતેલા વિનુવન શાંતિવન ગોસ્વામીના રૂમને બહારથી બંધ કરી ચોરો મંદિરનો તાળો તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા અને શિવલિંગ ઉપર રાખેલો જર્મન ધાતુનો બનેલો રૂ. 8,700ની કિંમતનો અઢી કિલોના વજન વાળો નાગ, તેની બાજુમાં રાખેલ જર્મન ધાતુની રૂ. 7000ના કિંમતની 2 કિલો વજન વાળી શંકર ભગવાનની મૂર્તિ ઉપરાંત રૂ. 5000ની કિંમતના ચાંદીના 2 છત્તર તેમજ રૂ. 700ના કિંમતનો તાંબાનો નાગ સહિત કુલ રૂ. 21,400ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બાબતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.