30 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ફલાઈટ પર રોક

દેશમાં પહેલી સપ્ટેમ્બરથી અનલોક 4 શરૂ થવા જઈ રહ્યું છે. સરકારે આ અંગે ગાઈડલાઈન પણ જારી કરી દીધી છે. ત્યારે કેટલીક બાબતોમાં છૂટ મળી છે પરંતુ અનેક બાબતોમાં હજી છૂટછાટ આપવામાં આવી નથી. જેમાં 30 સપ્ટેમ્બર સુધી યાત્રીઓ વિદેશની મુસાફરી કરી શકશે નહીં. કારણકે 30 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ફલાઈટને ઊડવાની પરવાનગી આપવામાં આવી નથી. ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા કરવા માટે ગૃહ મંત્રાલયાની સ્પેશિયલ પરમિશન લેવી જરૂરી બનાવવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અનલોક 4 ની ગાઈડ લાઈન અનુસાર શરતો સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રોની છુટ આપવામાં આવશે.જ્યારે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક,સામાજીક, રાજનૈતિક વગેરેના સમારંભ કરવાની શરતી છુટ આપી છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. જોકે તેમને વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી વગેરે જેવી અનેક શરતો સાથે છુટ આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. સામાજિક, શૈક્ષણિક, ખેલકુદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા 21 સપ્ટેમ્બરથી કરી શકાશે જ્યારે આ દરમિયાન સૌએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. થર્મલ સ્કેનિંગ કરાવવાનું રહેશે તેમજ હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ અનિવાર્ય થઈ જશે.