જોકોવિચની આગેકૂચ, પ્લિસકોવા બહાર

નંબર વન નોવાક જોકોવિચ આ વર્ષમાં પહેલીવાર ટાઇબ્રેકર ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરીને યુએસ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. બીજી તરફ મહિલા વર્ગની ટોચના ક્રમની કેરોલિના પ્લિસકોવા અપસેટનો શિકાર બનીને ટૂર્નામેન્ટની બહાર થઇ છે. જોકોવિચે બીજા રાઉન્ડમાં કાઇલ એડમંડને 6-7, 6-3, 6-4 અને 6-2થી હાર આપી હતી. આ વર્ષે આ પહેલા જોકોવિચે તમામ 10 મોકા પર ટાઇબ્રેકરમાં જીત મેળવી હતી. આ વર્ષે તેનો જીતનો રેકોર્ડ 2પ-0 થઇ ગયો છે. ચોથા ક્રમના ગ્રીસના ખેલાડી સ્ટેફેનોસ સિટસિપાસ અને પાંચમા ક્રમના જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવ પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.મહિલા વિભાગની ટોપ સિડ ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસકોવાને ફ્રાંસની કેરોલિન ગર્સિયાએ બીજા રાઉન્ડમાં 6-1 અને 7-6થી હાર આપી હતી. જ્યારે જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ કરી છે. 2016ની ચેમ્પિયન એન્જેલિના કર્બરની પણ બીજા રાઉન્ડમાં જીત થઇ હતી. મહિલા વિભાગમાં 13મા નંબરની એલિસન રિસ્કે અને 12મા ક્રમની ચેક ગણરાજ્યની માર્કેટા બીજા રાઉન્ડમાં હારી છે.આથી તેમની પણ યુએસ ઓપનની સફર સમાપ્ત થઇ છે. દિવજ શરણનો પરાજય: ડબલ્સમાં ભારતના દિવજ શરણ અને તેના સર્બિયાના જોડીદાર નિકોલા કૈસિક પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થયા છે. તેમને ક્રોએશિયાના નિકોલા મેકટિચ તથા નેધરલેન્ડસના વેસ્લી કૂલહોફની જોડીએ 4-6, 6-3 અને 3-6થી હાર આપી હતી.’
ખાસ સૂત્રોના મધ્યમ થી