ધ્રાંગધ્રાના સોલડી પાસે અકસ્માતમાં પતિનું મોત નીપજયું : પત્ની ઘાયલ

ધાંગધ્રા-હળવદ ફોરલેન હાઈવે ઉપર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ગુરુવારે સવારે સોલડી ગામ પાસે થયેલા અકસ્માતમાં દંપતીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં પતિનું મોત થયું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, બાઈક પર ઢવાણાથી કામ પતાવીને ગુરુવારે સવારે વતન સોલડી પરત આવતા ટોલટેક્સ પાસે અકસ્માત નડતા દંપતીને ગંભીર ઈજા થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
ધાંગધ્રા-હળવદ ફોરલેન હાઇવે ઉપર અવાર નવાર ગંભીર અકસ્માતોના બનાવો બંતા રહે છે. ત્યારે સોલડી પાસે આવેલા ટોલટેક્સ પાસે ઢવાણાથી બાઇક પર સોલડી પરત ફરી રહેલા કાંતિભાઈ જે પ્રજાપતિ અને તેમના પત્ની ગીતાબેનને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંને નીચે પટકાયા હતાં. જેમને ઇજા થતાં ધ્રાંગધ્રા સરકારી દવાખાને લવાતા કાંતિભાઇનું મોત થયું હતું. જ્યારે ગીતાબેન પ્રજાપતિને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર ખસેડાયા હતાં. આ અંગે પી.એસ.આઇ સી.એમ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ મહીપાલસિહ ડોડીયા ઘટનાસ્થળે દોડી ગઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.