કુકમા નજીક થી ચોરાઉ ડીઝલના જથ્થા સાથે ભુજનો શખ્સ ઝડપાયો

(ભુજ) પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કુકમા રેલ્વે ફાટક પાસેથી જીપમાં આધાર પુરાવા વગરના 190 લીટર ડીઝલ સાથે ભુજના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેમના પાસેથી ડીઝલનો જથ્થો રોકડ રૂપિયા ગાડી અને મોબાઇલ સહિત 5,15,620નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ માટે પધ્ધર પોલીસને સોંપાયો હતો
મળતી માહિતી અનુસાર એલસીબીના પીએસઆઇ એસ.જે.રાણાના માર્ગ દર્શનથી પેટ્રોલિંગમાં રહેલા તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, અંજાર તરફથી સફેદ કલરની જીપ આવે છે. તેમાં ચોરી કે છડકપટથી મેળવેલો ડીઝલનો જથ્થો છે. જેથી પોલીસે કુકમા રેલ્વે ફાટક પાસેથી બાતમી મુજબની જીપને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન જીપમાં રહેલા 190 લીટીર ડીઝલ બાબતે જીપના ચાલક સાલેમામદ સલેમાન રાયમા રહે ભુજ રાજેન્દ્રનગર કેમ્પ એરિયાને ડિઝલના આધાર પુરાવા માંગતાં ચાલક પાસેથી બીલ કે આધાર પુરાવા ન હોવાથી આરોપી સાલેમામદ રાયમા (ઉ.વ.35)ની અટકાયત કરીને તેના કબજામાંથી 14,820 રૂપિયાની કિંમતનું 190 લીટર ડીઝલ અને 5 લાખના જીપ તેમજ એક મોબાઇલ અને 300 રૂપિયા રોકડા સહિતનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મુદામાલ સાથે પધ્ધર પોલીસને સોંપ્યો હતો.