ઓકસફોર્ડમાં વેકસીનનું ટ્રાયલ ફરી શરૂ થશે તેવા અણસાર

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેકસીનને લઈ ખુશ ખબારી આવી છે. જલદી જ વેકસીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આના માટે લીલી ઝંડી દેખાડી દીધી છે, જે બાદ કોરોના વેકસીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરી શકાશે.

DCGI ના ડોકટર વીજી સોમાનીએ મંગળવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓકસફોર્ડના કોવિડ-૧૯ વેકસીનના ટ્રાયલને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

જણાવી દઈએ કે ૧૧ સપ્ટેમ્બરે વેકસીનના ટ્રાયલમાં સામેલ એક સ્વયંસેવકની તબિયત બગડ્યા બાદ વેકસીનના ટ્રાયલને રોકવું પડ્યું હતું. ડીજીસીઆઈએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને નિર્દેશ જાહેર કરી પોતાના ટ્રાયલને રોકવા કહ્યું હતું. હવે DCGI એ પોતાના પહેલા આદેશને પાછો લેતા ફરી એકવાર વેકસીન ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. કોરોના વાયરસની આ વેકસીનને ઓકસફોર્ડ યૂનિવર્સિટી એસ્ટ્રાજેનિકા મળીને તૈયાર કરી રહી છે. જેના માટે ભારતના સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર છે. જણાવી દઈએ કે દુનિયાભરના વિવિધ દેશોમાં આ વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ૫૦ હજારથી વધુ લોકો આ વેકસીનના ટ્રાયલમાં સામેલ છે. વેકસીનને લઈ એસ્ટ્રાજેનિકાના સીઈઓ પાસ્કલ સોરિયટે કહ્યું કે વેકસીન વર્ષ ૨૦૨૦ના અંત સુધી અથવા આગામી વર્ષના શરૂઆત સુધી આવી શકે છે.