જી. એસ. આર.ટી.સી.વિભાગ ડ્રાઈવર ની ૨૨૪૯ જગ્યા ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી મેરીટ લિસ્ટ બહાર પાડવા માંગ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જુલાઈ ૨૦૧૯ માં ૨૨૪૯ જેટલી જગ્યા માટે  ડ્રાયવરની ભરતી જાહેરાત કરી ઓનલાઇન અરજી મંગાવી હતી અને ડ્રાઈવીંગ ટેસ્ટ પણ લેવામાં આવી ત્યારબાદ  ૭ માસ જેટલો સમય વિતી ગયો છતાં મેરિટ લિસ્ટ બહાર પાડવામાં ના આવતા ઉમેદવારો વ્યાકુળ બન્યા છે ત્યારે રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ને પત્ર લખતા જણાવ્યું હતું કે તા.૧૧/૦૭/૨૦૧૯ નાં રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ક્રમાંક/સંમતિ/અમદ/૪૯૯/૨૦૧૯-૨૦ થી જાહેરાત ક્રમાંક (જી.એસ.આર.ટી.સી.)201920/1- થી ડ્રાઈવર કક્ષામાં ૨૨૪૯ જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટે તા.૧૨/૦૭/૨૦૧૯ થી તા.૧૧/૦૮/૨૦૧૯ સુધી ઓનલાઇન અરજીપત્રક મંગાવેલા હતા, ત્યાર બાદ તા.૧૪/૧૦/૨૦૧૯ થી તા.૨૪/૦૨/૨૦૨૦ સુધી માં ડ્રાઈવર ટેસ્ટ લેવામાં આવેલ હતી. ડ્રાઈવર ટેસ્ટ લેવાયા બાદ ૭ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતા આ ભરતી નું પ્રોવિઝનલ મેરિટ પણ બહાર પાડવામાં આવેલ નથી. કદાચ કોરોના વાઈરસ મહામારી નાં કારણે આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હોય શકે પરંતુ હવે તો કેન્દ્ર સરકાર દ્વારા પણ અનલોક જાહેર કરી મોટાભાગની છૂટછાટ આપવામાં આવી રહી છે તેમજ શાળા કોલેજો નાં વિધાર્થીઓની પરીક્ષાઓ પણ યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારો નાં હિતમાં આ ભરતી પ્રક્રિયા વહેલી તકે ચાલું કરી મેરીટ લીસ્ટ બહાર પડી લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.