નખત્રાણાના મુખ્ય માર્ગે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની

આ નગરની વચ્ચેથી પસાર થતો ભુજ-લખપત હાઇવે નાના-મોટા વાહનોની અવર-જવરથી સતત ધમધમતો રહે છે. માર્ગ પરની સંકડાશના કારણે નાના-મોટા અકસ્માતોના બનાવો દરરોજ બને છે તેમજ ભૂતકાળમાં પણ આ માર્ગ પર અકસ્માતના કારણે મોતના બનાવ બન્યા છે. આ માર્ગ પર ટ્રાફિક પોલીસ હોવા છતાં ટ્રાફિક પ્રશ્ને અરાજકતા છે અને તેમાંય દિવસમાં એકાદવાર ટ્રાફિક જામ થતાં વાહનોની કતાર લાગે છે.પશ્ચિમ કચ્છમાં ઔદ્યોગિક એકમો હોવાના કારણે ભારે વાહનોની સાથે ક્યારેક પવનચક્કીની મશીનરી લઇ જતા તોતિંગ 36 વ્હીલવાળા વાહનો પસાર થાય છે ત્યારે નાના-મોટા વાહનચાલકો, રાહદારીઓ અકસ્માતના ભય સાથે અસુરક્ષા મહેસૂસ કરે છે. શનિવારે સવારના ભાગે માર્ગ પર જ્યાં 18 દુકાનો છે તેવી જૂની દેનાબેંક પાસે સ્કૂટીચાલકનો મોટા ટ્રેઈલર સાથે અકસ્માત સર્જાયો હતો પરંતુ સદ્ભાગ્યે સ્કૂટીચાલકનો આબાદ બચાવ થયો હતો. તો સતત ધમધમતા આ માર્ગ પર સ્પીડબ્રેકર બનાવવામાં આવે તેવી માર્ગ પરના દુકાનદારોની માંગ છે. આજે નહીં તો આવતીકાલે આ નગરને બાયપાસ આપવો જ પડશે. કારણ કે દિનપ્રતિદિન વધતા સતત ટ્રાફિકના નિરાકરણ માટે બાયપાસ અત્યંત જરૂરી છે. તો ભુજ-લખપત હાઇવે માર્ગ પચાસ વર્ષ અગાઉ જે હતો તે આજે પણ એ જ છે તેવું નગરજનો કહે છે.’
- મળતી માહિતી પ્રમાણે